ભુજ - કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) કચ્છમાં શાળામાં કે આંગણવાડીમાં જર્જરિત રૂમ હોય તો વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પ્રભારી સચિવએ સૂચના આપી છે. આ ઉપરાંત, જે શાળાઓમાં કે આંગણવાડીઓમાં નવા ઓરડા બનાવવાની કે નવા ભવન બનાવવાની કામગીરી ચાલી રહી છે તેને વિના વિલંબે પૂર્ણ કરવા પ્રભારી સચિવ હર્ષદ પટેલે તાજેતરમાં કચ્છમાં રૂબરૂમાં કરેલી સમીક્ષા દરમિયાન અધિકારીઓને જણાવ્યું છે.
*કોઈપણ ભયજનક પુલ ખુલ્લો ન રહે તે જોવા સૂચના*
કચ્છના પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે રાજ્ય સરકારની સૂચના અન્વયે કચ્છમાં ચાલી રહેલી રોડ રસ્તા રીપેરીંગની કામગીરી અંગે અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારની સૂચનાઓનું પાલન થાય તેમજ કોઈપણ ભયજનક બ્રીજ કે પુલ ખુલ્લો રહે નહીં તે માટે માર્ગદર્શન પ્રભારી સચિવએ આપ્યું હતું. આ ઉપરાંત, પ્રભારી સચિવ હર્ષદભાઈએ કચ્છ જિલ્લામાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓના જર્જરિત હોય તેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
*રસ્તા સમારકામ જોવા ભુજ અને મુન્દ્રામાં ફિલ્ડ વિઝિટ કરી*
કચ્છમાં ફિલ્ડ વિઝિટ કરીને રસ્તાની રીપેરીંગની કામગીરી ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે થાય તે હેતુથી પ્રાંત અધિકારી તેમજ માર્ગ અને મકાનના શીર્ષ અધિકારીઓ સાથે રોડ રસ્તા રીપેરીંગ કામગીરીની સમીક્ષા કરી હતી. મુન્દ્રા અને ભુજના વિવિધ રોડ રસ્તાઓની મુલાકાત લીધી હતી. તેઓએ મુન્દ્રાના બાબીયા બરાયા બ્રીજની પણ મુલાકાત લઈને બ્રીજ ભયજનક હોય તે માટે કરવામાં આવેલી હાઈટ બેરિયર તેમજ પથ્થરોની આડશની કામગીરીની સમીક્ષા કરી હતી.
*અધિકારીઓને સ્થળ ઉપર સૂચના અપાઈ*
નાગરિકોના હિતમાં કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું. પ્રભારી સચિવની મુલાકાત દરમિયાન મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.પી નાઈ, ભુજ સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેર ચિરાગ દુદીયા સહિત માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA