મહેસાણા,21 જુલાઈ (હિ.સ.)પરપ્રાંતિય ખેડૂતો દ્વારા શાકભાજીમાં ઝેરી ઈન્જેક્શનનો ઉપયોગ થતો નથી: ખેતીવાડી વિભાગની તપાસમાં ખુલાસો
વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા “પરપ્રાંતિય ખેડૂતોનું કેમિકલ યુક્ત શાકભાજીનું ઝેરી વાવેતર” શીર્ષકના સમાચારને પગલે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિની સૂચના અનુસાર જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતાં ખેરાલુ પંથકના હાજીપુર, વલાસણા, વઘવાડી, ચાડા, હડોલ જેવા ગામોની મુલાકાત લીધી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી આવેલા કેટલાક પરપ્રાંતિય ખેડૂતો સ્થાનિક ખેડૂતો સાથે ઉદ્ધડ જમીન રાખી શાકભાજીનું વાવેતર કરે છે. તેઓ શાકભાજી મુખ્યત્વે પંજાબ અને દિલ્હી વિસ્તારના વેપારીઓને વેચે છે.
ચકાસણી દરમ્યાન કોઈપણ જગ્યાએ ઇન્જેક્શન વડે વધુ ઉત્પાદન મેળવવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોવાનો પુરાવો મળ્યો નથી. જોકે, વધુ ઉત્પાદન માટે યુરિયા, ડીએપી જેવી રાસાયણિક ખાતર અને ફૂગનાશક દવાઓનું વધુ પ્રમાણમાં વપરાશ થતો હોવાનું સામે આવ્યું છે.
જમીનની ઉર્વરતા બગડે નહિ અને ખેતરમાં ઝેરી પદાર્થ ભળે નહીં તે હેતુથી વિભાગે પરપ્રાંતિય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે સ્થાનિક ખેડૂતોને પણ ભલામણ મુજબ જ ખાતર અને દવાઓ વાપરવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR