ભુજ - કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) અંજારમાં મહિલા પોલીસ એએસઆઈની હત્યામાં સીઆરપીએફના જવાનના રિમાન્ડ મંજૂર કરાયા છે.
લીંબડીથી રજામાંથી આવ્યાના બીજા દિવસે મોત મળ્યું
અંજારમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવનાર અરૂણાબેન જાદવની દિલીપશંકર જાદવે હત્યા કરી હતી. ગત તા. 11/7થી 17/7 સુધી રજામાં રહેલા મહિલા પોલીસકર્મી તા. 18/7ના પરત અંજાર આવ્યા હતા. આ યુવતીની સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ટોકરાળા ગામના શંકર ડીપા જાદવના દીકરા દિલીપ સાથે સગાઇની વાત ચાલી રહી હતી અને આ બંને એકબીજાને પસંદ કરતા હતા અને બંને એકબીજાને મળતા પણ હતા.
શનિવારે ઘરમાં ગળે ટુંપો આપી દીધો હતો
દરમ્યાન, શનિવારે સવારે આ શખ્સે મહિલા પોલીસકર્મીની ગળેટૂંપો આપી હત્યા નીપજાવી હતી. આ શખ્સની આજે પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી તેના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા.
કારણો જાણવા જવાનના રિમાન્ડ મંગાયા
કયા કારણોસર હત્યા કરાઇ હશે તે સહિતની તપાસ અર્થે રિમાન્ડ મગાયા હતા, જેમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હોવાનું બહાર આવ્યું હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA