સુરત, 21 જુલાઈ (હિ.સ.)- સુરત મહાનગરપાલિકા સંચાલિત સમિતિની શાળાઓમાં ઇજારદાર શક્તિ સિક્યુરિટી દ્વારા એક ગાર્ડ મૂકી ત્રણ ગાર્ડના પગાર લેવામાં આવતો હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારબાદ ઇન્ચાર્જ શાસનાઅધિકારી દ્વારા આ મુદ્દે શક્તિ સિક્યુરિટી સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આજ શક્તિ સિક્યુરિટી એજન્સી દ્વારા અગાઉ પણ પાલિકામાં કરોડો રૂપિયાનું સિક્યુરિટીનું ટેન્ડર મેળવવા માટે બોગસ ડોક્યુમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જે તે સમયે પણ ભારે વિવાદ થવા પામ્યો હતો. જેથી હવે આગામી દિવસોમાં શક્તિ સિક્યુરિટી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ઇન્ચાર્જ શાસનાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ કુલ નવ સિક્યુરિટી એજન્સીઓ કોન્ટ્રાક્ટ ધરાવે છે અને સુરત મહાનગર પાલિકાની અલગ અલગ મિલકતો પર આ સિક્યુરિટી એજન્સીઓ દ્વારા પોતાના સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે છે. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સિક્યુરિટી ગાર્ડ કોન્ટ્રાક્ટમાં પાલિકા સાથે છેતરપિંડી કરનાર શક્તિ સિક્યુરિટી એજન્સી દ્વારા માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવતો હતો અને તેના બદલામાં કુલ ત્રણ સિક્યુરિટી ગાર્ડનો પગાર વસૂલ કરવામાં આવતો હતો. આ વાત ધ્યાન પર આવતા ઇન્ચાર્જ શાસના અધિકારી દ્વારા સમગ્ર કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું હતું અને તેમની સામે કાપોદ્રા પોલીસ મથકમાં રૂપિયા સાડા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જેના કારણે શક્તિ સિક્યુરિટી એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી હતી. અગાઉ પણ પાલિકાના સિક્યુરિટી મલાઈદાર કોન્ટ્રાક્ટર મેળવવા માટે શક્તિ સિક્યુરિટી એજન્સી દ્વારા બોગસ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં તેઓ દ્વારા શ્રમ વિભાગ અને પાલિકાના બોગસ પુરાવા રજૂ કર્યા બાદ તેમની સામે જે તે સમયે પણ પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ ઉઠવા પામી હતી. પરંતુ પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. પરંતુ હાલમાં પકડાયેલા કૌભાંડ બાદ તેની સામે ગુનો દાખલ કરવામાં આવતા આગામી દિવસોમાં ઇન્ચાર્જ શાસન અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શક્તિ સિક્યુરિટી એજન્સી સામે સખ્ત કાર્યવાહી કરાશે અને બ્લેક લિસ્ટ કરવાની તજવીજ હાથ ધરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે