પાટણ, 21 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિક રહીશોના ઘરોમાં આવતા પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે, જેનાથી પાણીમાંથી ગટરની તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી લોકો અત્યંત પરેશાન છે. રહીશોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે.
આ દૂષિત પાણીના સેવનથી વિસ્તારમાં ઝાડા-ઉલટી જેવા પાણીજન્ય રોગોના કેસો નોંધાઈ રહ્યા છે. બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર ખાસ કરીને ગંભીર અસર પડી રહી છે. ગટરમિશ્રિત પાણી પીવાથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે.
સ્થાનિક રહીશો અનેકવાર આ મુદ્દે તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, છતાં અત્યાર સુધી કોઈ કાયમી ઉકેલ આવેલો નથી. રહીશોએ વહીવટી તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માગ સાથે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે આહ્વાન કર્યું છે જેથી લોકોના આરોગ્યનું રક્ષણ થઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર