પાટણ, 21 જુલાઈ (હિ.સ.)રાધનપુર તાલુકાના સબદલપુરા ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે. મળેલી ગુપ્ત માહિતીના આધારે SMC દ્વારા ધોરી ડેરી નજીક આવેલા ડાયાભાઈ રાવતભાઈ ઠાકોરના ખેતરમાં તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 3636 બોટલ અને ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ. 13.96 લાખ થાય છે.
પોલીસે દારૂની હેરાફેરી માટે વપરાયેલી ટોયોટા ફોર્ચ્યુનર કાર (નંબર GJ01KZ1929) પણ જપ્ત કરી છે, carની અંદાજિત કિંમત રૂ. 25 લાખ છે. કુલ મળીને રૂ. 38.96 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન કોઈ આરોપી પકડાયો નથી.
પોલીસે ચાર વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાં ફોર્ચ્યુનર કારનો માલિક, ડ્રાઈવર અને ક્લીનર ઉપરાંત દારૂનો સપ્લાયર અને રીસીવરનો સમાવેશ થાય છે. રાધનપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી, પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર