ભુજ - કચ્છ, 21 જુલાઈ (હિ.સ.)
ભુજમાં પુત્રને માર મારી તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂએ હત્યા નીપજાવ્યાની આશંકા અંગેની અરજી પોલીસને મૃતકની માતાએ કરતાં નવ દિવસ પૂર્વે દફનાવેલા દેહને બહાર કાઢી પી.એમ. સહિતની તપાસ કાર્યવાહી પોલીસે આદરી છે.
માતાએ શંકા વ્યક્ત કરતાં ફરીથી તપાસ ચાલુ
આ ચોકાવનારા બનાવ અંગે તપાસકર્તા પોલીસ અધિકારીએ માધ્યમોને જણાવ્યું હતું કે, ભીડ ગેટ પઠ્ઠાપીર મસ્જિદ પાસે રહેતા 75 વર્ષીય વૃદ્ધ શકીનાબેન મામદ કુંભારે પોલીસમાં અરજી કરી હતી. જેમાં જણાવાયું હતું કે, ગત તા. 11/7ના તેમના પુત્ર અબ્દુલ્લા ફકીરમામદ કુંભાર (ઉ.વ. 45)નું મૃત્યુ થતાં અંતિમવિધિ કરી દફનાવી દેવાયો છે. લાઈટ બિલ ભરવાની માથાકૂટના પગલે અબ્દુલ્લાની પત્ની અને તેનો પુત્ર તથા પુત્રવધૂએ માર મારતાં ગંભીર ઈજાનાં પગલે તેનું મૃત્યુ થયું હોવાની આશંકા છે.
મોત બાદ પોસ્ટમોર્ટમ થયું ન હતું એટલે ગંભીરતા વધી
આ અરજી બાદ પોલીસે તપાસ કરતાં અબ્દુલાનાં મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ થયું ન હતું. આથી અરજીની ગંભીરતા સમજી પ્રોટોકોલ મુજબ અબ્દુલ્લાના દેહને આજે સવારે આલાવારા કબ્રસ્તાનમાંથી બહાર કાઢી ફોરેન્સિક લેબોરેટરીના પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મોકલાયો છે. પી.એમ.ના રિપોર્ટ બાદ આ કેસમાં આગળની દિશા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA