પાટણ, 21 જુલાઈ (હિ.સ.) આવતા શુક્રવારથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થશે, જ્યાં શિવભક્તિનો માહોલ સમગ્ર પાટણ શહેર અને જિલ્લામાં જોવા મળશે. શિવભક્તો શિવલિંગ પર દૂધ, પાણી અને બિલ્વપત્રો અર્પણ કરશે, જ્યારે મંદિરોમાં 'ઓમ નમઃ શિવાય'ના મંત્રોનો ગુંજારો થશે. સિદ્ધનાથ મહાદેવ, લોટેશ્વર મહાદેવ, આનંદેશ્વર મહાદેવ જેવા શિવાલયોમાં વિશેષ પૂજા અને શણગાર આરતીઓનું આયોજન થશે.
શ્રાવણ માસમાં નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મહત્વના ધાર્મિક તહેવારો આવે છે. આ વર્ષે શ્રાવણમાં કુલ ચાર સોમવાર આવશે અને પ્રથમ સોમવાર 28 જુલાઈના રોજ આવશે. કૃષ્ણભક્તો પણ જન્માષ્ટમીના ઉમંગમાં રહેશે, જેથી ભક્તિભાવ અને ઉત્સાહે ભરેલો માહોલ જોવા મળશે.
શિવભક્તો ઉપવાસ કરીને શિવ આરાધનામાં લીન રહેશે. મંદિરોમાં ‘ત્રિદલમ્ ત્રિનેત્રમ્ ત્રિજન્મ પાપ સંહારમ્’ જેવા શિવમંત્રો ગૂંજશે. આ મહિને સ્વતંત્રતા દિવસ પણ આવશે, જેના કારણે લોકોમાં ભક્તિ સાથે દેશભક્તિના ભાવ પણ ઊભા થશે. આમ, શ્રાવણ માસ ધાર્મિક ઉલ્લાસ અને સામાજિક ઉત્સવોથી સમૃદ્ધ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર