નેત્રંગથી વાડી,ડેડિયાપાડા અને મૂવી ધોરીમાર્ગો બંધ થતા વાલિયા વાડી રસ્તાનું ભારણ વધ્યું
વાલિયા ડહેલી કીમ નદીનો પુલ સદંતર બંધ કરી દેતા ભારી વાહનોને લીધે રસ્તો તૂટી ગયો
માર્ગ અને મકાન વિભાગે ડાયવર્ઝન ઉપર ડામર પાથર્યો પરંતુ કેટલા દિવસ ચાલે તે જોવું રહ્યું
ભરૂચ 22 જુલાઈ (હિ.સ.)
વાલિયા વાડી રસ્તાનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું ત્યારે જ ખૂબ ખરાબ રીતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડહેલી કીમ નદીનો પુલ વાહન વ્યવહાર માટે જોખમી થઈ જતા એમ પણ જર્જરીત બની ગયો હતો કોઈ દુર્ઘટના ના બને તેના પહેલા કલેક્ટરએ જાહેરનામું બહાર પાડીને બંધ કર્યો હતો .જેમાં નાના વાહનો જઈ શકતા હતા અને મોટા વાહનો માટે નીચે કીમ નદી ઉપર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારથી આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું ત્યારથી જ ખૂબ તકલાદી અને નબળી કામગીરી કરવામાં આવી હતી.
તેવામાં હાલ ગંભીરા પુલની દુર્ઘટનાને લઇ નેત્રંગ વાડી ,નેત્રંગ ડેડીયાપાડા અને નેત્રંગ મોવી વગેરે રસ્તાઓ બંધ કરી દેતા ડમ્પર ચાલકો વાડીથી વાલીયા થઈ અંકલેશ્વર કે નેત્રંગ જઈ રહ્યા હતા. જેને લીધે બધો ટ્રાફિકનો ભારણ વાલિયા વાડી રસ્તા ઉપર આવી ગયો હતો. આથી ડહેલી કીમ નદી ઉપર બનાવેલ ડાયવર્ઝન તદ્દન ખરા પરિસ્થિતિમાં આવી ગયું હતું .ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવા રાત્રિના જ મશીનરી બોલાવી લીધી હતી. આજે બપોરના સમયે ડામર કામ ડાયવર્ઝન ઉપર કરવા જતા રસ્તો બંધ થઈ જતા કીમ નદીના પુલના બંને છેડે બે થી અઢી કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી.
કીમ નદીના ડાયવર્ઝનને રીપેર કરવા પાછળ લાખો રૂપિયા માર્ગ અને મકાન વિભાગએ નાખી દીધા છે પરંતુ હજુ સુધી ક્યારેય આ ડાયવર્ઝન યોગ્ય રીતે સક્ષમ બન્યું નથી એટલે જ્યારે પણ વરસાદ પડે ત્યારે તરત જ તેમાં ખાડા પડી જાય છે અને ખૂબ ખરાબ પરિસ્થિતિ આવી જાય છે અને ફરી રીપેર કરવામાં આવે છે. આમ આ નીતિથી સરકારના તેમજ લોકોના ટેક્સના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે. પરંતુ આ યોગ્ય રીતે મરામતની કામગીરી ક્યારે કરવામાં આવશે તે જ એક યક્ષ પ્રશ્ન છે. આમ પણ વાલિયા નેત્રંગ ટ્રાઇબલ તાલુકા હોવાથી તેમાં મોટાપાયે ગડબડીઓ ચાલે છે.કોઈ કહેવા અને પૂછવાવાળું નથી .
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ