ભુજ – કચ્છ, 23 જુલાઇ (હિ.સ.) કચ્છના દરિયા અને ક્રિક વિસ્તારમાં ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. હજુ બે દિવસ પહેલાં લકીનાળામાંથી ચરસનું એક પેકેટ મળ્યું હતું. તેના બીજા જ દિવસે વધુ એક ચરસનું પેકેટ જખૌના દરિયાઇ વિસ્તાર લુણાબેટમાંથી મળી આવ્યું છે. બીએસએફની પેટ્રોલિંગ ટુકડીને આ ચરસ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા પેકેટનું વજન આશરે 1.40 કિલો કવર સાથે રહ્યું છે જે મરીન પોલીસ, જખૌને સોંપવામાં આવ્યું છે.
બે દિવસમાં બીજું પેકેટ મળ્યું, જોકે વિસ્તાર અલગ
જખૌથી 11 કિલોમીટરના અંતરે લુણા બેટ વિસ્તારમાં 22મી જુલાઇએ સવારના ભાગમાં આ ચરસનું પેકેટ મળી આવ્યું છે. બે દિવસમાં બીજું પેકેટ મળી આવ્યું છે. જોકે, 21મીએ પકડાયેલું ચરસનું પેકેટ લકીનાળા વિસ્તારમાંથી મળ્યું હતું.
જખૌના દરિયામાં બીએસએફના પેટ્રોલિંગમાં પકડાયું
સીમા દળની બટાલિયન નંબર 153 અને જી ટીમની ટુકડી આંતરરાષ્ટ્રીય દરિયાઇ સરહદની અંદર 65 કિલોમીટરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે શંકાસ્પદ પેકેટ જોવા મળ્યું હતું. શંકાસ્પદ ચરસનું પેકેટ હાથ લાગ્યા બાદ ટુકડીએ આસપાસના વિસ્તારમાં પણ સઘન તપાસ કરી હતી. પરંતુ અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી ન હતી. ઉપરોક્ત કામગીરી દરમિયાન ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA