જામ ખંભાળિયા, 22 જુલાઈ (હિ.સ.) :
દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતે કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. સંકલન સમિતિની બેઠકમાં પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓ પાસેથી કલેકટરે જવાબો મેળવ્યા હતા.
ઉપરાંત બેઠકમાં સિંચાઇ, પાણી પુરવઠો, જમીન માપણી, રેલવે, વીજ વિભાગ, માર્ગ અને મકાન, આરોગ્ય, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની જનપ્રતિનિધિઓ દ્વારા વિસ્તૃત ચર્ચા કરી પડતર પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા તેમજ યોગ્ય પ્રત્યુતર પાઠવવા સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગતા, સીએમ ડેશબોર્ડ, ઈ સરકારની કામગીરીની અમલવારી કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
ઉપરાંત નાગરિકો અને જનપ્રતિનિધિઓ તરફથી કરવામાં આવતી રજૂઆતો અને સમસ્યાઓને અગ્રતા આપી તાકીદે નિરાકરણ લાવવા અધિકારીઓ તથા કર્મચારીઓને સૂચનો આપ્યા હતા. જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નાયબ વન સંરક્ષક અરુણકુમાર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.પી.જોશી, જનપ્રતિનિધિ પી.એસ.જાડેજા સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT