પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી. ટાઢાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, પોરબંદર અને સરકારી વિનયન કોલેજ, રાણાવાવના સંયુક્ત ઉપક્રમે મહિલા જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનાર અંતર્ગત સંકલ્પ – ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ની જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર શ્રીમતી સંધ્યાબેન જોષી દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ જેમ કે વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો તેમજ મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.તદઉપરાંત સંકલ્પ હબના જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિરાગ દવે દ્વારા બહેનોને વ્યાવસાયિક તાલીમ, સ્વરોજગાર, લોન સહાય, કૌશલ્ય વિકાસ શિબિરો જેવી વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે યુવાન બહેનો કેવી રીતે આ યોજનાઓનો લાભ લઇને આત્મનિર્ભર બની શકે તે અંગે ઉદાહરણ સહિત સમજૂતી આપી હતી.સેમિનાર દરમિયાન કોલેજની વિદ્યાર્થીનીઓએ યોજનાઓ સંબંધી પ્રશ્નો પુછ્યાં, જેમના ઉંચિત ઉત્તર ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં માહિતીપત્રક અને પેમ્પ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેથી વધુમાં વધુ યુવતીઓ અને મહિલાઓ માહિતી પ્રાપ્ત કરી શકે.આ સેમિનારમાં 100થી વધુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓ અને મહિલાઓને તેમના હક અને અધિકારો અંગે જાગૃત બનાવવો તેમજ સરકાર દ્વારા મળતી સહાય અને તાલીમમુલક યોજનાઓ અંગે માહિતી આપવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya