પાટણ, 22 જુલાઈ (હિ.સ.)રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખવાનો ગંભીર આરોપ મૂકાયો છે. બાદરપુરા ગ્રામ પંચાયતના સરપંચ માણેકબેન સોલંકીના પતિ તથા તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખના પતિ મુકેશભાઈ સોલંકીએ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંઘવને આ અંગે લેખિત ફરિયાદ સોંપી હતી.
મુકેશભાઈ સોલંકીનું કહેવું છે કે ધારાસભ્ય લવિંગજી ઠાકોર તમામ સરપંચોને સમાન રીતે ગ્રાન્ટ ફાળવતા નથી. તેઓ પોતાના નજીકના અને અંગત સંબંધો ધરાવતા સરપંચોને જ ભંડોળ આપે છે, જ્યારે અન્ય ગ્રામ પંચાયતોની રજૂઆતો છતાં અવગણવામાં આવે છે. કેટલાક ગામોને તો એક પણ ગ્રાન્ટ નથી મળતી, જેના કારણે વિકાસ કાર્ય અટકી ગયાં છે.
આ આરોપોને ધારાસભ્ય લવિંગજી ઠાકોરે નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે વિધાનસભા વિસ્તારમાં માંગણી પ્રમાણે અને પ્રાધાન્ય ક્રમમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ફરિયાદ કરનાર દ્વારા કોઈ કામની માંગણી કરવામાં જ આવી નથી. આ વિવાદથી રાધનપુરના રાજકીય ગોળદોળમાં ચર્ચા તેજ બની છે અને આગામી સમયમાં વધુ ઘટનાઓ સામે આવવાની શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર