ગાંધીનગર, 22 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રાજ્યમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ગુજરાતમાં રોકાણ કરનાર ૧૫ મોટા એકમોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉદ્યોગો ગુજરાતમાં કુલ રૂ. ૧૦૮૬.૮૬ કરોડનું મૂડીરોકાણ અને અંદાજિત ૩,૬૯૭ નવી રોજગારીનું સર્જન કરશે.
આ સંદર્ભે વિગતો આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિઓના પરિણામે ગુજરાત આજે રોકાણકારો માટે શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ બન્યું છે. ગુજરાતને વિકાસની દીવાદાંડી બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજના’ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ રાજ્યમાં રોકાણ કરનાર ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. સહાય આપવામાં આવે છે.
તે જ અનુક્રમને જાળવી રાખતા રાજ્ય સરકાર દ્વારા આજે વધુ ૧૫ મોટા ઉદ્યોગોને ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજના’ હેઠળ નેટ એસ.જી.એસ.ટી. સહાય માટે મંજૂરી હુકમ અર્પણ કરવામાં આવ્યા છે. આ ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલા અમદાવાદ જિલ્લામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ તથા પ્લાસ્ટીક સેક્ટરમાં રૂ. ૪૫૯.૫૪ કરોડ, પંચમહાલમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં રૂ. ૨૩૭.૪૮ કરોડ, પાટણમાં પ્લાસ્ટીક સેક્ટરમાં રૂ. ૫૬.૯૭ કરોડ, મહેસાણામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં રૂ. ૪૬.૩૩ કરોડ, મોરબીમાં સિરામિક સેક્ટરમાં રૂ. ૬૨.૫૧ કરોડનું મૂડીરોકાણ તથા વડોદરા જિલ્લામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ તથા મેટલ સેક્ટરમાં રૂ. ૨૨૪.૦૩ કરોડના મૂડીરોકાણ માટેની સહાયને મંજૂરી આપવામાં આવી છે. આ ઉદ્યોગોના માધ્યમથી રાજ્યમાં અંદાજિત ૩,૬૯૭ જેટલી નવી રોજગારીનું સર્જન થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજના’ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ રૂ. ૧,૪૮,૦૦૦ કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ થયું છે, જેના પરિણામે અંદાજે ૧.૬૫ લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે. આમ, MSME સેક્ટરના નાના અને મધ્યમ કક્ષાના આનુષંગિક ઉદ્યોગોને વેગ મળ્યો છે, જેથી રાજ્યમાં એક ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકો સિસ્ટમનું નિર્માણ થયું છે.
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, આર્થિક બાબતોના સચિવ આરતી કંવર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ