ગાંધીનગર, 22 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર, અમદાવાદ દ્વારા યોજાયેલી સ્પેસ એપ્લિકેશન્સ રિજિયોનલ મીટનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ અને ગતિશીલ વિઝન અનુરૂપ પ્રશાસનની કાર્યદક્ષતા વધારવા માટે સ્પેસ આધારિત ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓને તેમના વિકાસ કાર્યક્રમો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક સેક્ટર્સ પ્લાનિંગ, મોનિટરિંગ, ઈવેલ્યૂએશન અને ડિસીઝન મેકિંગમાં સ્પેસ ટેકનોલોજી પરથી મળતા ઈનપુટ્સનો મહત્તમ ઉપયોગ માટે પ્રેરણા આપવામાં આવી રહી છે.
આ હેતુસર ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય રિજિયોનલ મીટમાં ઇસરોના વૈજ્ઞાનિકો, નીતિ નિર્ધારકો, ઉદ્યોગ અગ્રણીઓ વગેરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજનમાં સેટેલાઈટ ટેકનોલોજીના ઉપયોગ અંગે સામુહિક મંથન-પરામર્શ કર્યા હતા.
સ્પેસ સેક્ટરમાં ચાલી રહેલા સુધારાઓ અને ઇન્ડિયન સ્પેસ પોલીસી 2023ના અમલીકરણને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાં સ્પેસ ટેકનોલોજીના ઉપયોગનું પુનઃમૂલ્યાંકન કરીને ભવિષ્ય માટે માળખાગત સુવિધાઓ નક્કી કરવાનો કેન્દ્ર સરકારે ઉદેશ્ય રાખ્યો છે.
આ માટે વિકસિત ભારત 2047 માટે સ્પેસ ટેકનોલોજી અને એપ્લિકેશન્સના લાભ વિષયે બીજી રાષ્ટ્રીય બેઠક આગામી 22મી ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં યોજાવાની છે.
આ બેઠકની તૈયારીઓના ભાગરૂપે ભારતીય અવકાશ અનુસંધાન સંસ્થાન (ISRO) અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સ્તરે વર્કશોપ યોજવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી આવી જ એક રિજિયોનલ મીટનું ઉદઘાટન અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદના નિયામક શ્રી નિલેશ દેસાઈ, રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ શ્રીમતી મોના ખંધાર અને ઇસરો-સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વૈજ્ઞાનિકો તથા રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ