સુરત, 22 જુલાઈ (હિ.સ.)-શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકને એક યુવતી સહિત ત્રણ ઈસમોએ ભેગા મળી હનીટ્રેપ નો શિકાર બનાવ્યો હતો. યુવકને બળાત્કાર અને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા એક કરોડની માંગણી કરી હતી અને તેનું અપહરણ કરી માર મારી તેમની પાસેથી એક મોબાઇલ તથા ટુકડા રૂપિયા 6 લાખ મળી કુલ રૂપિયા 6.15 લાખની લૂંટ કરી પૈસા પડાવી લીધા હતા. જોકે બાદમાં ગતરોજ યુવકે આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી સહીત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઘુઘરાળા ગામના વતની અને સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ ખાતે આવેલ સૃષ્ટિ રો હાઉસની પાછળ સંસ્કૃતિમાં રહેતા ૪૧ વર્ષીય બીપીનભાઈ તુલસીભાઈ રૂડકીયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 16/7/2025 ના રોજ બપોરે સવા એકથી અઢી વાગ્યા ના સમયગાળા દરમિયાન તેઓને એક મહિલા તથા ત્રણ ઈસમો ભેટી ગયા હતા. તેઓએ કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી વડલા બસ પાર્કિંગમાં રોડ ઉપર મળવાના બહાને બોલાવી ધર્મિષ્ઠા ઉર્ફે રૂપા રાખોલીયાએ તેને બ્લેકમેલ કરી ધમકાવ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેની સાથે રહેલ સુમિત મશરૂ અને અમિત મશરૂ નામના યુવકો તથા અન્ય એક અજાણ્યા ઈસમે પણ તેમની સાથે ભેગા મળી બીપીન રૂડકીયાને બળાત્કારના કેસમાં તથા ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા એક કરોડની માંગણી કરી હતી.
પરંતુ બીપીનભાઈએ તેની પાસે રૂપિયા એક કરોડ ન હોવાનું કહેતા ધર્મિષ્ઠા તથા સુમિત અને અમીત ભેગા મળી બીપીન પાસેથી રૂપિયા 15,000નો મોબાઈલ તથા રોકડા રૂપિયા 6 લાખ મળી કુલ રૂપિયા 6.15 લાખની લૂંટ કરી હતી અને પૈસા પચાવી પાડી ફરાર થઈ ગયા હતા. જોકે આરોપીઓ પકડાયા બાદ તેઓની સામે બીપીનભાઈએ પણ ફરિયાદ નોંધાવતા પોલીસે કતરગામમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે