પાટણ, 22 જુલાઈ (હિ.સ.)20 જુલાઈના રોજ સાંજે 7 વાગે પાટણના ખાન સરોવર ખાતે માછલી પકડવાના મુદ્દે ગંભીર ઘટના બની હતી. ગૌશાળાના ગોવાળ દિનેશભાઈ રાવળે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ત્રણ શખ્સો સરોવર ખાતે માછલી પકડી રહ્યા હતા અને જ્યારે દિનેશભાઈએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને અપશબ્દો કહ્યા અને ધમકી આપી.
ફરિયાદ મુજબ, આરોપીઓમાં અરબાઝખાન ફિરોઝખાન ગુલાબખાન પઠાણ ઉર્ફે રાજીયો અને અન્ય બે અજાણ્યા શખ્સો સામેલ છે. આરોપીઓએ છરી બતાવી દિનેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી લીધો છે અને ત્રણે આરોપીઓએ મળીને આ કૃત્ય આચર્યું હોવાનું સ્પષ્ટ કર્યું છે. આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર