ભુજ, 20 જુલાઈ, (હિ.સ.) : કચ્છના માંડવી તાલુકાના નાની વીરાણીમાં ખેતી કરતા કિશોર ઠાકરશી પાસડ ખેતીની શરૂઆત કરી ત્યારથી જ જૈનધર્મના સિંધ્ધાત મુજબ જીવહિંસા ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. 70 વર્ષના કિશોરભાઇ 15 વર્ષ પહેલા ખેતીની શરૂઆત કરી ત્યારથી અત્યારસુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી. પ્રકૃતિ જેટલું આપે તેટલું જ ઝાડ પાસેથી લેવાનું તે સિધ્ધાંત પર તેઓ ખેતી કરી રહ્યા છે. આટલું જ નહીં, પરંતુ તેના તમામ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને દેશ-વિદેશમાં તેની નિકાસ પણ કરી રહ્યા છે. અવનવા પ્રયોગ કરતા તેઓ વર્તમાન સમયમાં બજારમાં વેચાઇ ન શકે તેવી ખારેક બગડે નહીં તે માટે તેમાંથી જ્યૂસ કાઢીને તેના વેચાણ માટેની દિશામાં પ્રયત્નશીલ છે.
ગૌ આધારીત જીવામૃત, ધનામૃતના મારફતે ખેતી
મૂળ માંડવી તાલુકાના શેરડી ગામના કિશોરભાઇ પાસડ વર્ષો સુધી મુંબઇમાં મોટા વેપારી તરીકે નામના અને વેપાર કર્યા બાદ વતનની વાટ પકડીને બાપદાદાના સમયની ખેતીમાં ઝુકાવ્યું. તાલુકાના નાની વીરાણી પાસે 25 એકરમાં તેઓ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ખેતી કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, બાગાયતી પાકોમાં ખારેક, આંબા સાથે શાકભાજી, અનાજ પણ વાવીએ છીએ. સમગ્ર ઉત્પાદન સમયે ગૌ આધારીત ખેતી કરી છીએ. જીવામૃત, ધનામૃતના મારફતે ખેતી કરું છું.
ખેડૂત પોતે જ પોતાની ચીજોની કિંમત નક્કી કરે
જે રીતે કંપનીઓ પોતાની ઉત્પાદિત ચીજોની એમઆરપી નક્કી કરીને બજારમાં વેચે છે તે જ રીતે ખેડૂત જ્યાં સુધી પોતાના ઉત્પાદનની એમઆરપી પોતે જ નક્કી કરીને વેચવા નિર્ધાર નહીં કરે ત્યાં સુધી તેમને સારા ઉત્પાદન છતાં ઓછ નફો મળશે. તેઓ ઉમેરે છે કે, તેઓ ખારેક ફ્રિજ ડ્રાઇડ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાના પેકેંજીંગ અને પ્રોસેસ કરીને ઓનલાઇન તથા ઓફલાઇન વેપારીઓને વેચાણ કરે છે. આ ઉપરાંત ખારેકનો પાઉડર સાથે તેની સ્લાઇસ પણ બનાવી વેચે છે. તેજ રીતે આંબાનો પલ્પ તથા તેના ક્યૂબ બનાવીને ખાદ્યઉત્પાદન કરતા વેપારી કે કંપનીને વેચે છે.
તિરાડવાળી ખારેકમાંથી જ્યુસ કાઢવાનો પ્રયોગ
ચાલુ વર્ષે વરસાદ વહેલો આવી જતાં ખાસ કરીને ઇઝારાયેલી બારાઇ ખારેક ઉતરે તે પહેલા જ ઝાડમાં પલળી જતાં તેમાં તિરાડ પડી જતી હોય છે. જેના કારણે ખાવાલાયક તો હોય છે પરંતુ તે બજારમાં વેચાણ લાયક રહેતી નથી. તેઓ કહે છે કે, પ્રાયોગિક ધોરણે હાલમાં જ્યૂસ કાઢવા માટે મીની પ્રોસેસીંગ પ્લાન્ટ મંગાવ્યું છે. જેમાં વરસાદ બાદ તિરાડ પડી ગયેલી ખારેકમાંથી જ્યુસ બનાવવા હું પ્રયોગ કરી રહ્યો છું. જો આમાં સફળતા મળી તો આ જ્યુસ બજારમાં આઇસક્રીમ, ચોકલેટ, જ્યુસ સહિતની ખાદ્ય પ્રોડકટ બનાવતી કંપનીને વેચીને બગડતા પાકને પણ ઉપયોગમાં લઇને તેમાંથી પણ નફો મેળવી શકાશે. ઉપરાંત જ્યૂસ કાઢ્યા બાદ ખારેકનો જે વેસ્ટ નીકળશે તેમાંથી પાઉડર બનાવીને તેનો ઉપયોગ પ્રોટીન પાઉડરમાં,મીઠાઇ કે અન્ય રીતે ઉપયોગમાં કરી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA