પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં એક ગંભીર બનાવટી ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરાની 'પંચજન્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ' દ્વારા યુનિવર્સિટી સાથે કોઈ સંબંધ ન હોવા છતાં ડિગ્રી અપાઈ હતી. આ બનાવટી ડિગ્રી વિદેશ જવાના હેતુથી વપરાતી હતી, જે બાબત સામે આવતાં યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલભાઈ દેલિયાએ પાટણ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નવસારીની રહેવાસી નેરીયા અકબરઅલી વિરાણીએ વડોદરાની કોલેજના સંચાલક તેજસ મજમુદાર પાસેથી B.B.A અને M.B.A ની ખોટી ડિગ્રી અને ટ્રાન્સક્રિપ્ટ મેળવ્યા હતા. 13 જૂન 2025ના રોજ તે પાટણ યુનિવર્સિટીના હેલ્પ સેન્ટર પર 'WES' પ્રક્રિયા માટે આવી હતી, ત્યારે તપાસ દરમિયાન દસ્તાવેજો ખોટા હોવાનું ખુલ્યું.
ચોંકાવનારી વાત એ હતી કે તેનો ઉપયોગ કરતી ટ્રાન્સક્રિપ્ટ પર પાટણ યુનિવર્સિટીના પૂર્વ રજિસ્ટ્રાર ડૉ. ડી.એમ. પટેલના હસ્તાક્ષર હતા, જેમનું અવસાન 2022માં થઈ ગયું હતું, જ્યારે ટ્રાન્સક્રિપ્ટની તારીખ 09/10/2024 દર્શાવવામાં આવી હતી. આ પરથી સ્પષ્ટ થયું કે દસ્તાવેજો બનાવટી છે.
પોલીસ તપાસ દરમિયાન વિદ્યાર્થીનીએ કબૂલ્યું કે તે ડિગ્રી પોતે ઓનલાઈન રીતે મેળવી હતી અને તેજસ મજમુદારે તેને તમામ દસ્તાવેજો આપ્યા હતા. હાલ આ બનાવમાં બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 336(2) અને 336(3) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર