તારે એકલાને જ ખેતરો જોઇએ છે એમ કહી પરિવારના લોકોએ કૌટુંબિક સંબંધીને માર માર્યો
દિલેશ વસાવા ઉપર જીવલેણ હુમલો કરતા માથા ઉપર તેમજ શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી
તેને પ્રથમ નેત્રંગ સીએચડી અને વધુ સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા
ભરૂચ 22 જુલાઈ (હિ.સ.)
નેત્રંગના ખાખરીયા ગામે ખેતરમાં દવા છાંટવાના મુદ્દે પરિવારના અન્ય લોકોએ કૌટુંબિક સંબંધીને માર મારતા ત્રણ મહિલાઓ સહિત કુલ પાંચ સામે નેત્રંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
ઝઘડિયા તાલુકાના ખાખરીયા ગામે રહેતા 55 વર્ષીય દિલેશ વસાવા ખેતી કરે છે.તા.19 મીના રોજ સવારના સમયે તેઓ તેમના ખેતરે ગયા હતા. ખેતરમાં ભીંડાની ખેતી કરેલ હોય ભીંડા તોડીને તેઓ મોટરસાયકલ લઇને નજીકના ગામોમાં વેચવા ગયા હતા.ત્યાંથી પરત ફરી સાંજના છ વાગ્યાના અરસામાં તેઓ ભીંડા વેચીને ઘરે પાછા આવ્યા હતા તે વખતે તેનો ભત્રીજો ગણેશ વિલિયમ વસાવા તેની પાસે આવીને કહેવા લાગેલ કે તમે કોને પુછીને અમારા ખેતરમાં દવા છાંટી છે? તેમ કહીને ગાળો બોલીને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ ઝપાઝપીમાં દિલેશ વસાવા નીચે પડી ગયા હતા.તેવામાં ગણેશના પિતા વિલિયમ વસાવા જે દિલેશના કૌટુંબિક ભાઇ થાય છે તે તેની પત્ની પુનુબેન,પુત્રી સુધાબેન તેમજ ઇન્દિરાબેન ત્યાં દોડી આવ્યા હતા.આ ઝઘડા દરમિયાન દિલેશ વસાવાને લાતોથી તેમજ ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ગણેશ વસાવાએ બાજુમાં આવેલ વાડમાંથી એક લાકડું લઇને તેનો સપાટો દિલેશ વસાવાને મારી દીધો હતો. તેની માતા પુનુબેને બાજુમાંથી પત્થર લઇને તેમને માથામાં માર્યો હતો.ત્યારબાદ ફળિયાના અન્ય લોકોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા. તારે એકલા નેજ બધા ખેતરો જોઇએ છે એમ કહીને તે લોકો ત્યાંથી જતા રહ્યા હતા.આ ઝઘડામાં દિલેશ વસાવાનો મોબાઇલ ફોન ક્યાંક પડી ગયો હતો.
દિલેશ વસાવા ઇજાગ્રસ્ત થયેલ હોઇ તેને નેત્રંગ સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.આ ઘટના સંદર્ભે દિલેશ વસાવાએ ગણેશ વિલિયમ વસાવા,વિલિયમ મોગલ વસાવા,પુનુબેન વિલિયમ વસાવા,સુધાબેન વિલિયમ વસાવા તેમજ ઇન્દિરાબેન વિલિયમ વસાવા તમામ રહે.ગામ ખાખરીયાના વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ