ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આવેલા પુલોનું સમારકામ થાય તેમજ તપાસ થાય તે માટેના નિર્દેશો આપવામાં આવ્યાં છે.
રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં પ્રભારી મંત્રી તેમજ પ્રભારી સચિવ દ્વારા જિલ્લામાં આવેલા પુલોની રૂબરૂ મુલાકાત લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે.
પ્રભારી સચિવ જેનુ દેવને ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પુલોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પુલની વર્તમાન સ્થળ-સ્થિતિની સમીક્ષા કરી હતી.
પ્રભારી સચિવએ વેરાવળ બંદર વિસ્તારમાં આવેલ કલ્વર્ટની મુલાકાત, કાજલી માર્કેટીંગ યાર્ડ પાસે હીરણ નદી પર આવેલ પુલ, તાલાલા ગલીયાવડ ખીરધાર જેપુર રોડ પર આવેલ પુલની મુલાકાત, ચીત્રાવડ ગામે રમરેચી-ચીત્રાવડ-હરીપુર રોડ પર આવેલ પુલની મુલાકાત લીધી હતી.
પ્રભારી સચિવએ પુલની સ્થિતિની સમીક્ષા કરી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને જોડતાં પુલનું ઝડપથી સમારકામ થાય તે દિશામાં કામગીરી કરવા, વાહન ચાલકોને વાહન ચલાવવામાં પડતી મુશ્કેલીનું તુરંત નિરાકરણ લાવવા, પુલ પર પડેલા પૉટહોલ્સનું તાત્કાલિક ધોરણે સમારકામ સહિતની કામગીરી કરવા નિર્દેશ આપ્યાં હતાં.
પ્રભારી સચિવની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ કલેક્ટર એફ.જે.માકડા, મત્સ્યોદ્યોગ અધિકારી વી.કે.ગોહિલ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર સર્વ જે.આર. સિતાપરા, આશુતોષ પટેલ (સ્ટેટ), પી.કે. કાલરિયા (નેશનલ હાઈવે) તથા રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ