ગાંધીનગર, 22 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર શહેરમાં રોડ-રસ્તા તેમજ ડ્રેનેજના કામો ચાલી રહ્યા છે તે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ ગાંધીનગર સાંસદ અમિતભાઈ શાહે ગંભીર નોંધ લઈને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓને પરિણામલક્ષી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. અમિતભાઈ શાહે આપેલી સુચનાના ભાગરૂપે ગૃહ રાજ્ય મંત્રી તેમજ ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ આજે સચિવાલય ખાતે તાકીદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા તેમજ ડ્રેનેજના કામોની બારીક માહિતી મેળવી હતી. જેમાં શહેરના ખ-માર્ગ પર ચાલી રહેલી ડ્રેનેજ લાઇનનું કામ, નવી નંખાયેલી ડ્રેનેજ લાઇનનું જોડાણ કાર્ય, જુના સેક્ટરોમાં તૂટેલા રોડ રસ્તાઓ અને નગરજનોને થઈ રહેલી મુશ્કેલીઓ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી આ બાબતે તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને પરિણામલક્ષી કાર્યવાહી કરાવવા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને સૂચન કર્યું હતું. જે અનુસંધાને આ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક તાકીદે બોલાવાઈ હતી.
આ બેઠકમાં ગાંધીનગર શહેર વિસ્તારમાં વસતા નગરજનોને રોડ રસ્તા તેમજ ડ્રેનેજ લાઈન સંદર્ભે કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય તે માટે એક્શન પ્લાન બનાવવા ઉચ્ચ અધિકારીઓને મંત્રીએ કડક સૂચનાઓ આપી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિતના પદાધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા નગરજનોના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેનું ત્વરિત નિરાકરણ લાવવા માટે શક્ય તેટલા કડક પગલાં સાથેની જરૂરી કાર્યવાહી કરવા મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી છે.
આ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ, પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસેન, શહેરી વિકાસ અગ્ર સચિવ એમ.થન્નારસન, માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર.પટેલિયા તેમજ ગાંધીનગર જિલ્લાના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગર જિલ્લા તથા મહાનગર પાલિકાના સંબંધિત શાખાના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ