મહેસાણા ,22 જુલાઈ (હિ.સ.) : સાડા પાંચ વર્ષની ઉંમરે ઇન્દ્રસિંહ ઠાકોરે યોગમાં બનાવ્યો રેકોર્ડ છે, તેમને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં દ્વિપદા કોકિલાસન માટે સ્થાન મળ્યું છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાનકડા યોગ પ્રેક્ટિશનર ઇન્દ્રસિંહ ઠાકોરે માત્ર 5.8 વર્ષની ઉંમરે યોગમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 4 મિનિટ 34 સેકન્ડ સુધી દ્વિપદા કોકિલાસન આસન હોલ્ડ કરીને પોતાનું નામ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું છે.
ઇન્દ્રસિંહ હાલમાં કેજી-2માં અભ્યાસ કરે છે અને છેલ્લા એક વર્ષથી દરરોજ 4 કલાકથી વધુ સમય યોગની પ્રેક્ટિસ કરે છે. નાની ઉંમરે જ તેણે 12થી વધુ કઠિન યોગાસનોમાં પારંગતતા મેળવી છે.
તેનાં પિતા જશવંતસિંહ ઠાકોર ખેડૂત છે. તેઓ કહે છે કે, “મારા દીકરાને યોગમાં આગળ વધારવા માટે બાળકોના યોગ ગુરુ ઘનશ્યામભાઈ પટેલ છેલ્લા એક વર્ષથી સતત માર્ગદર્શન આપી રહ્યા છે.” ઇન્દ્રસિંહની સિદ્ધિ પાછળ તેના માતા–પિતા અને યોગશિક્ષકનો મહત્વનો ફાળો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR