જામનગર, 22 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં જીઆઇડીસી અને આજુબાજુ વિસ્તારમાં આવેલા કેટલાક કારખાનેદારો દ્વારા રંગમતી-નાગમતી નદીમાં પ્રદુષીત વહેડાવવામાં આવે છે અને કેટલુંક પાણી દરેડની કેનાલ મારફત આ પાણી રણમલ તળાવમાં આવતું હોવાની અગાઉ પણ ફરિયાદ પ્રદુષણ બોર્ડને મળી હતી, આખરે સેમ્પલ લેવાયા બાદ આ પાણીમાં જૈવીક કચરો ભળ્યો હોવાનો રિપોર્ટ આવ્યો છે અને હવે રણમલ તળાવમાં પણ પ્રદુષીત પાણી આવ્યાની ફરિયાદ ઉઠતાં જ આ પાણીનું પણ સેમ્પલ લેવામાં આવ્યું છે.
જામનગર શહેરના મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં દરેડની કેનાલ મારફતે રંગમતી નાગમતી નદીનું પાણી આવે છે જે કેનાલમાં કેટલાક ઉદ્યોગગ્રહો દ્વારા પોતાના કેમિકલ યુક્ત પ્રવાહીના જથ્થાનો નિકાલ કરી દેવામાં આવતો હોવાના કારણે પ્રદૂષણયુક્ત પાણી લાખોટા તળાવમાં આવી રહ્યું છે, તેવી અનેક ફરિયાદો થયા પછી ગત ૨૭ જૂનના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગરની કચેરી દ્વારા પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતાં અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. જેના સેમ્પલનો રિપોર્ટ આવી ગયો છે અને ઉપરોક્ત પાણીના જથ્થામાં જૈવિક કચરો ભળ્યો હોવાના રિપોર્ટ પણ મળ્યા છે. જેથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકાને આની જાણ કરવામાં આવી છે.
આ ઉપરાંત હાલ વરસાદી સીઝન ચાલુ છે, અને ફરીથી ગઈકાલે લાખોટા તળાવમાં નવું પાણી આવ્યું હોવાથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા રંગમતી નાગમતી નદીના પાણીના માંથી ફરી સેમ્પલો લેવામાં આવ્યા છે અને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. સાથો સાથ દરેડની કેનાલને જોડતી ઉદ્યોગનગર વિસ્તારની કેનાલ કે જેના વિસ્તારમાં આવતા અલગ-અલગ પાંચ કારખાનાઓને ત્યાં પણ જઈને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT