મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) : ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રમાં નવું સીમાચિહ્ન સ્થાપાયું, મહેસાણાના અશોક ચૌધરીને અપાઈ મોટી જવાબદારી
મહેસાણા દુધ સાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરીને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જેને દુનિયાભર અમુલ બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે, તેના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના સહકારી ઉદ્યોગ માટે આ એક મહત્વપૂર્ણ ઘટનાઓમાં ગણાય છે, કારણ કે ચૌધરીની નિયુક્તિથી ઉત્તર ગુજરાતના દુધ ઉત્પાદકોના હિતોને નવી દિશા મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
વિસનગર તાલુકાના ત્રિોડિપુરા ગામના વતની અશોક ચૌધરી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક છે અને વેપાર ક્ષેત્રે પણ સક્રિય છે. તેઓ 1995થી ભાજપ સાથે સંકળાયેલા છે અને પ્રાથમિક સભ્ય તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કર્યા બાદ શહેર અને જિલ્લામાં વિવિધ હોદ્દાઓ પર રહીને પાર્ટી માટે કામગીરી બજાવી છે.
2005થી 2007 દરમિયાન તેઓ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. 2016માં દુધ સાગર ડેરીના ડિરેક્ટર તરીકે અને 2021થી ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન ડેરીમાં ટેકનોલોજીકલ સુધારા અને ઉત્પાદક ખેડૂત માટે લાભદાયી નીતિઓ અમલમાં મૂકાઈ છે.
અશોક ચૌધરીને તેમની કામગીરી બદલ 2024માં અમેરિકાની આંતરરાષ્ટ્રીય કોઓપરેટિવ ચેમ્પિયનશીપ દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમનાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય યોગદાનનો પરિચય છે.તેઓ 2009, 2013 અને 2018ની વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. સંગઠનશક્તિ અને વ્યવસ્થાપન ક્ષમતાને કારણે તેમને રાજકીય ક્ષેત્રે મજબૂત ઓળખ મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR