જામનગર, 22 જુલાઈ (હિ.સ.) : જામનગર માં ૧૦૮ ઇમર્જન્સી સેવાના વેલ ટ્રેઇન્ડ સ્ટાફ દ્વારા વધુ એક વખત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે, અને એક પ્રસૂતા મહિલા અને તેની બે જોડીયા બાળકીઓ માટે જીવન રક્ષક સાબિત થઈ છે. પ્રસુતા મહિલાની ચાલુ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી દઈ બે બાળકીઓને બચાવી લેવાઇ છે. હાલ માતા અને બે પુત્રીઓ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક વસઈ ગામમાં પુરીબેન તેરૈયા નામની એક પ્રસુતા મહિલા કે તેણીએ ગઈ રાત્રે ૧૦૮ ની ટીમને કોલ કર્યો હતો, જેથી જનતા ફાટકમાં હાજર રહેલા ઇએમટી અમીષાબેન ડાંગર તથા પાયલોટ રવિરાજસિંહ જાડેજા તાત્કાલિક અસર વસઈ પહોંચ્યા હતા. ત્યાંથી સગર્ભા મહિલા પુરીબેન કે જેઓને પ્રસુતિની પીડા ઉપડી હોવાથી તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સમાં લઈને જામનગર જી.જી. હોસ્પિટલ તરફ આવી રહ્યા હતા.
પરંતુ પુરીબેન ની ચાલુ એમ્બ્યુલન્સમાં જ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં તબિયત લથડી હતી, અને એમ્બ્યુલન્સમાં જ ફરજિયાત પ્રસુતિ કરાવવી પડે તેવા સંજોગો ઊભા થયા હતા. જેથી ઇ.એમ.ટી.ના સ્ટાફ દ્વારા અન્ય તબિબ ડો. પરમાર નો સંપર્ક સાઘી માર્ગદર્શન મેળવી લઈ એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી હતી. અને એકીસાથે બે જોડીયા બાળકીઓને સફળતાપૂર્વક જન્મ આપી દીધો હતો.
ત્યારબાદ માતા અને બંને પુત્રીઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સમયસર પહોંચાડી દેવામાં આવ્યા હતા. ૧૦૮ ની ટીમની સમય સુચકતા તેમજ જિલ્લા સુપરવાઈઝર જયદેવસિંહ જાડેજાના માર્ગદર્શનને લઈને સફળતા પૂર્વકની કામગીરી બદલ પ્રસૂતા મહિલા પુરીબેન તથા તેમના પરિવારજનોએ ૧૦૮ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT