ભુજ – કચ્છ, 22 જુલાઇ, (હિ.સ.) આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ ના આંગણે ગૌ માતાના જીવનને શ્રેષ્ઠતમ બનાવવા રાષ્ટ્રીય હિન્દુ સંઘના અધ્યક્ષ અને એકલધામના મહંત યોગી દેવનાથબાપુની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કચ્છના સાધુ સંતો જોડાયા હતા. કચ્છથી શરૂ થયેલા આંદોલનમાં ગુજરાતના સંતો અને લોકોને જોડાશે તેવી હિમાયત કરાઇ છે.
શા માટે ગુજરાતમાં જાહેરાત નહીં?
યોગી દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે, જ્યારે મહારાષ્ટ્રમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો અપાયો હોય તો આવી દિવ્ય ઘટના ગુજરાતમાં કેમ ઘટતી નથી? જે સંદર્ભે સમાજના અનેક શ્રેષ્ઠિઓએ પોતપોતાનો મત આપ્યો હતો. જેમાં ભરતભાઈ સોંદરવાએ આખા અભિયાનને આગળ લઈ જવા માટે અગત્યના સૂચનો કર્યા હતા. તદુપરાંત કાળી તલાવડીના શિવજીભાઈ બરાડીયા એ પણ આ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી જાહેર કરી હતી.
હિંદુસમાજના લોકોને જોડાવવા આહ્વાન
આર્ષ અધ્યયન કેન્દ્રના આચાર્ય સ્વામી પ્રદીપતાનંદ સરસ્વતીજીએ પણ ગૌમાતા માટેના અભિયાનમાં સર્વ સાધુ-સંતો અને સનાતન હિંદુ સમાજના જ્ઞાતિ બંધુઓને જોડાવાનું આહવાન કર્યું હતું. આવનારા દિવસોમાં ગૌ સંરક્ષકના આ અભિયાનને સમગ્ર ગુજરાતના સાધુ-સંતોને પણ જોડવામાં આવશે, અને વર્તમાન ગુજરાત સરકાર પાસે ગૌમાતાને રાજ્યમાતા આ ચોમાસુ સત્ર દરમિયાન જ જાહેર કરે તેવી અપીલ કરવામાં આવશે.
ધારાસભ્યો દ્વારા ટેકો આપવાની ખાતરી?
કાર્યક્રમના અંતે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવશીભાઈ વરચંદને નિમંત્રિત કરી સમગ્ર ઘટનાથી અવગત કરાયા હતા. અને તેમણે કચ્છના તમામ ધારાસભ્યો વતી આ અભિયાનને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ, રવિ ગીરીજી, લાલગીરી બાપુ, હંસ ગીરીબાપુ, ધ્રંગ જાગીર ના મૂળજીરાજા, ધનંજય ગીરી, કૈલાશપુરીજી, સુરેશદાસજી અને સુરેશ ગીરીજી હાજર રહ્યા હતા. તેવું સંત સમાજના મીડિયા ઇન્ચાર્જ ભરત સંઘવીએ જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA