કચ્છમાં ‘ખાસ મહિલા ગ્રામસભા’ની પહેલ: મારીંગણામાં ધારાસભ્યની હાજરીમાં યોજાઇ ખાટલા બેઠક
ભુજ – કચ્છ, 22 જુલાઇ (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અમલી છે. જેનો મુખ્ય હેતુ મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ બને તે રા
મારીંગણામાં યોજાઇ ખાસ મહિલા ગ્રામસભા


ભુજ – કચ્છ, 22 જુલાઇ (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અમલી છે. જેનો મુખ્ય હેતુ મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ બને તે રાખવામાં આવ્યો છે. નવતર પહેલના ભાગરૂપે કચ્છ જિલ્લાનાં અંજાર તાલુકાના મારીંગણા ગામમાં ખાસ મહિલા ગ્રામસભા (ખાટલા બેઠક)નું આયોજન અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ પ્રશ્નોના સમાધાન સાથે જ ગામમાં વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે પિંક લાયબ્રેરી બનાવવા અર્થે રૂપિયા પાંચ લાખની વિશિષ્ટ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

એક શિક્ષિત નારી સક્ષમ સમાજનું ઘડતર કરી શકે

ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ દ્વારા સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગામની મહિલાઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઇએ. જો પોતે પાત્રતા ન ધરાવતા હોય તો ગામની અન્ય જરૂરિયાતમંદ મહિલાઓ સુધી માહિતી પહોંચાડવી જોઇએ. દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા તેઓએ જણાવ્યું હતુ કે, દરેક દીકરીએ ફરજિયાત શિક્ષણ લેવું જોઇએ. “એક શિક્ષિત નારી સક્ષમ સમાજનું ઘડતર કરી શકે છે.” એમ વિશ્નાસ ધારાસભ્યએ વ્યક્ત કર્યો હતો.

મહિલાઓને પ્રશ્નોની રજૂઆત માટે મંચ પૂરો પાડવાનો હેતુ

જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની દવેએ ગ્રામસભાનો હેતુ જણાવતાં કહ્યું હતું કે ગામની મહિલાઓને પોતાના મુદાઓ કે પ્રશ્નોની રજૂઆત કરવા માટે યોગ્ય મંચ મળે અને બહેનો સ્વયં પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તેમજ વિવિધ વિભાગની યોજનાકીય કાયદાકીય માહિતી મેળવી શકે એ છે. આ ઉપરાંત, બહેનો પરિવારના સભ્યો સાથે જ ચર્ચા કરી રહ્યા હોય તેવી અનુભૂતિ થાય અને સહજતાથી પોતાના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે ખાસ ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મારીંગણા પંચાયત બે ટર્મથી મહિલા સમરસ

જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને મારીંગણા ગામના વતની મશરૂભાઈ રબારીએ ગામનો પરિચય આપતા જણાવ્યું હતું કે મારીંગણા ગામમાં સતત બે ટર્મથી મહિલા સમરસ પંચાયત રહી છે. ગામમા સામાજિક એકતા ખૂબ સારી રીતે જળવાઈ રહી છે. ગામના મહિલાઓ તેમજ કિશોરીઓ દ્વારા શિક્ષણ,આરોગ્ય,રોજગારી, એસ.ટી., પોષણ, મહિલાલક્ષી સરકારની યોજનાઓ તેમજ ગામના વિકાસને લઈને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. તંત્રમાંથી ઉપસ્થિત અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા વિભાગને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

પિંક લાયબ્રેરી બનાવવા પાંચ લાખની વિશિષ્ટ ગ્રાન્ટ

બાલિકા પંચાયતની દીકરીઓએ ગામ માટે લાયબ્રેરીની માંગણી કરતા મહિલા બાળ અધિકારીના માર્ગદર્શન મુજબ ગામમાં વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે પિંક લાયબ્રેરી બનાવવા અર્થે રૂપિયા પાંચ લાખની વિશિષ્ટ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રામસભામાં સરપંચ ખીમીબેન મહેશ્વરી સહિત વિવિધ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande