ભુજ - કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) : 17મી જુલાથી 20 જુલાઇ સુધી કચ્છની ધરતીની અંદર ત્રણ આંચકા આવ્ય અને એક આંચકો 4ની તીવ્રતાનો હતો એટલે એ ભૂકંપ કહેવાય. પણ આ 4ની તીવ્રતાના આંચકાએ ભૂસંશોધકોમાં તાણ ઊભી કરી દીધી છે. કારણ કે આ ભૂકંપ જે જગ્યાએ આવ્યો એ જગ્યા એક્ટિવ હોવા છતાં નવી છે અને જો તે સતત એક્ટિવ રહી તો રણના આર્થિક આયામો ઉપર જોખમી સાબિત થઇ શકે તેમ છે. રણમાં ભૂકંપપ્રૂફ સ્ટ્રકચર જ બનાવવા પડશે. કારણ કે, ગોરા ડુંગર ફોલ્ટ પણ એક્ટિવ છે અને મોટા ભૂકંપ આવવાની સંભાવના દર્શાવે છે. આ પ્રાથમિક તારણો સહીત અન્ય શું ભેદી હિલચાલ ભૂભાગમાં થઇ રહી છે તે જાણો વિગતવાર આ અહેવાલમાં.
20મીની રાત્રે આવેલો ભૂકંપ ગોરા ડુંગર નજીક
20મી તારીખે રાત્રે જે ભૂકંપ આવ્યો એ ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં નોંધાયો હતો. રિખ્ટર સ્કેલ ઉપર 4ની તીવ્રતા ધરાવતા આ ધરતીકંપે કચ્છમાં રહેલા ભૂસ્તરશાસ્ત્રીઓ વિચારતા કરી દીધા. કારણ કે આ વિસ્તારમાં કંપન થવું એટલે કે એ ગોરા ડુંગરવાળો ભૂભાગ એક્ટિવ ફોલ્ટલાઇનની વ્યાખ્યમાં આવી ગયો છે.
અજાણી ફોલ્ટલાઇન સક્રિય
કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના પ્રોફેસર ડો. ગૌરવ ચૌહાણ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, કચ્છમાં સંખ્યાબંધ ભૂકંપ ફોલ્ટલાઇન એક્ટિવ છે. પરંતુ હાલમાં જે 4ની તીવ્રતાનું કંપન નોંધાયું હતે ખાવડાથી અંધૌ તરફના પચ્છમ ભાગનો ગોરો ડુંગર વિસ્તાર છે. કાળો ડુંગર પ્રવાસનનું ધામ છે અને ભગવાન દત્તાત્રેયના બેસણા રહ્યા છે. તેની સામેના ભાગમાં ગોરો ડુંગર છે અને જો તે વિસ્તારમાં કંપન નોંધાય તો સમજી શકાય કે આ ફોલ્ટલાઇન સક્રિય છે.
મોટો આંચકો આવે તો ઘણી અસર થઇ શકે
ડુંગરાળ વિસ્તારની નીચેના ભૂભાગમાં લાંબા સમય પછી કંપન નોંધાયું હશે. નાના નાના કંપનોથી ઊર્જા છૂટી પડે એ સારી બાબત છે પરંત સીધો જ 4ની તીવ્રતાનો આંચકો ટેન્શનવાળી વાત છે. જો, આ એક્ટિવ લાઇનમાં ઊર્જા એકત્ર થયા કરે અને મોટો આંચકો આવે તો રણ વિસ્તારના કિલોમીટર્સ સુધી અસર થઇ શકે. હાલમાં રોડ ટુ હેવન હોય કે રણના અંતરિયાળ વિસ્તારમાં ભારે વિકાસ થઇ રહ્યો છે ત્યારે આવા આંચકા શું લોંગ ટર્મ પ્રેશર નહીં છોડે ને? આ સવાલ સામે આવીને ઊભી ગયો છે. કારણ કે જો, પ્રેશર છૂટે તો એ આંચકા નાના ન હોય અને અને તેની અસર વ્યાપક હોય.
વેવ્સના આકારોમાં પથ્થરોને નુકસાન થાય એ જોખમી
ડો.ચૌહાણે કચ્છના ભૂસ્તર અને ફોલ્ટલાઇન વિશે જણાવ્યું હતું કે, આપણે ઇન્ડિયન પ્લેટ સાથે જોડાયેલા છીએ. કચ્છના રોક્સ એટલે કે પથ્થરો ઊર્જા છુટી પડતાં તૂટતા નથી અને વળી જાય છે. પરિણામે, જે ઝડપે ઊર્જા નીકળે છે તેના આધારે તેની તીવ્રતા નક્કી થતી હોય છે. ડકટાઇલ ડિફોર્મેશન અને બ્રિટલ ડિફોર્મેશન એમ બંને રીતે પથ્થરો ભૂભાગમાં નુકસાન પામે છે જેની અસર આંચકારૂપે આપણે અનુભવીએ છીએ. વેવ્સના આકારમાં જ્યારે પથ્થરો વળે અને ધરતીકંપ આવે તેની અસર અને તીવ્રતા વધુ અને વ્યાપક હોય છે. કચ્છની ભૂમિમાં જાતભાતના પથ્થરો છે, લેર પણ ઘણી છે. ડકટાઇલ ડિફોર્મેશન તૂટે તેની અસર કિલોમીટરો સુધી અનુભવાય છે.
10થી વધુ ફોલ્ટલાઇન એક્ટિવ
કુલ 10થી વધુ એક્ટિવ ફોલ્ટલાઇનની વાત કરીએ તો, પાકિસ્તાનના નગરપારકરથી કચ્છ ગુજરાતની ફોલ્ટલાઇન જોડાયેલી છે. કચ્છમાં રાપર તાલુકાના બેલા, લખપતનો અલ્લાબંધ ફોલ્ટ, ભચાઉથી ગુનેરી સુધી કચ્છ મેઇન લાઇન ફોલ્ટ, અંજારથી વિગોડી સુધી કટ્રોલહિલ્સ ફોલ્ટ, કોઠારા નહેરા નદી ફોલ્ટ એક્ટિવ છે. આ ફોલ્ટલાઇનમાં આવતા પથ્થરમાં દબાણ બહુ હોય છે, પથ્થર તૂટે એટલે ભૂકંપ આવે છે. અલ્લાબંધ લખપતની મેઇન લાઇન ફોલ્ટમાં આંચકા આવે અને જો ન આવે તો સુનામી પણ આવી શકે. ટૂંકમાં આવી મેઇન ફોલ્ટલાઇનમાં નાના નાના આંચકા આવે એ ભૂસ્તરીય રીતે જરૂરી છે.
ગોરા ડુંગરનો ભૂકંપ ચિંતાપ્રેરક
હાલના આંચકાની સમીક્ષા મુજબ, ભુજના ઉત્તર પૂર્વ, ભચાઉ કે વાગડ ફોલ્ટલાઇનમાં આંચકા આવવા બહુ કોમન છે. કારણ કે ત્યાં 2001નું ભંગાણ અસરકારક રહ્યું છે. આંચકા આવી જાય એ સારી બાબત છે પણ જે ખાવડા પાસેના ગોરા ડુંગરની નીચેના કે તેને જોડતા રણ વિસ્તારમાં આંચકો આવ્યો એ ચિંતાપ્રેરક છે.
પચ્છમ ભાગમાં અચાનક એક્ટિવ ફોલ્ટલાઇન
ભુજ તાલુકાના ખાવડા નજીકના રણકાંધીના પૈયાથી સધારા ગામની ડુંગરમાળા ફોલ્ટ ઉપર ઉભી છે. અહીં ખાસ ભૂકંપ નોંધાયા નથી. પથ્થરો તૂટે, વહેણ બને તેવા નિશાન જોવા મળે, અગાઉ નિશાન દેખાયા છે પણ 4નો ભૂકંપ નથી અનુભવાયો, આ બાબત કચ્છ માટે એલર્ટ છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA