ભુજ - કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) : આજના ડિજિટલ યુગમાં ફૂડ એપ્લિકેશન્સે જીવનને એટલું સરળ બનાવ્યું છે કે એક ટેપથી પિઝા, બર્ગર કે બિરયાની ઘરે પહોંચી જાય! પરંતુ આ સગવડ મેદસ્વિતાને નોતરું આપતી હોય તેમ લાગે છે. ઓફિસમાં બેઠાડું જીવન જીવતા કે ઘરે રહેતા ‘આજે કઈંક બહારથી મંગાવી લઈએ’..તેવા મૂડમાં ખોવાયેલા લોકો માટે આ એપ્સ આશીર્વાદ છે કે અભિશાપ? તે વિચારની બાબત બની ગઇ છે.
એપ્સ ઘરના સભ્યો કરતાં વધુ ચિંતા કરે એ જ ચિંતાજનક પાસુ
ફૂડ એપ્લિકેશન્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમારી ક્રેવિંગને ઝડપથી પૂરી કરે છે. રાત્રે 11 વાગે ચોકલેટ લાવા કેકની ઈચ્છા થઈ? બસ, એપ ખોલો, ઓર્ડર કરો, અને 30 મિનિટમાં તમે સ્વર્ગનો આનંદ માણી રહ્યા છો! પરંતુ આ સગવડની બીજી બાજુ એ છે કે આ એપ્સ તમારા ઘરના સભ્યો કરતાં પણ વધુ ચિંતા કરે છે! “આજે બિરયાની ખાઈ લો”, “50% ડિસ્કાઉન્ટ પર બર્ગર ઓર્ડર કરો” આવા મેસેજો દિવસમાં દસ વાર આવે, અને તમારી ક્રેવિંગ એકાએક જાગી જાય....!
કેલરીનું પ્રમાણ વધારે હોય તે એક ક્લિકના અંતરે ઉપલબ્ધ
જો ગંભીર રીતે જોવા જઈએ તો, આ એપ્સ મેદસ્વિતાનું એક મોટું કારણ બની રહી છે. ફાસ્ટ ફૂડ, જેમાં ચરબી, ખાંડ અને કેલરીનું પ્રમાણ વધારે હોય છે, તે એક ક્લિકના અંતરે ઉપલબ્ધ છે. ઓફિસમાં કલાકો સુધી બેસી રહેતા લોકો અથવા ઘરે શારીરિક પ્રવૃત્તિ ન કરતા લોકો માટે આ ખોરાક શરીરમાં કેલરીનો ઢગલો ઉમેરે છે. ઉપરથી, ડિસ્કાઉન્ટની લાલચ અને આકર્ષક જાહેરાતો લોકોને વધુ ખાવા માટે પ્રેરે છે. એક અભ્યાસ મુજબ, ભારતમાં શહેરી વિસ્તારોમાં ફૂડ એપ્સના વધતા ઉપયોગ સાથે મેદસ્વિતાનું પ્રમાણ પણ વધ્યું છે.
તો દોષ કોનો?... શું ઓર્ડર કરવો એ આપણા હાથમાં
જો તમે “સલાડ ઓર્ડર કરો” ને બદલે “ચીઝ બર્ગર” પસંદ કરો છો, તો દોષ કોનો? આ એપ્સ આશીર્વાદ પણ હોઈ શકે છે જો તમે તેનો ઉપયોગ સમજદારીથી કરો. ઘણી એપ્સ હવે હેલ્ધી વિકલ્પો, જેમ કે લો-કેલરી ભોજન કે ઓર્ગેનિક ખોરાક, ઓફર કરે છે. ઉપરાંત, તમારી ક્રેવિંગને કાબૂમાં રાખવા નોટિફિકેશન બંધ કરી શકાય છે. ફૂડ એપ્લિકેશન્સ એક તરફ સગવડ આપે છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ મેદસ્વિતા અને આરોગ્ય સમસ્યાઓને નોતરે છે. સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને સ્વ-નિયંત્રણ દ્વારા આ એપ્સને આશીર્વાદ બનાવી શકાય છે. નહીં તો, મેદસ્વિતાનું કારણ..!
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA