- સ્વાગત ફરિયાદમાં આવેલી તમામ ૧૦ અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ધ્રોલ પ્રાંત અધિકારીની કચેરીના મીટીંગ હોલમાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા. તથા રજૂઆત કરવા આવેલા લોકોની રજુઆતો પણ સહૃદયતાથી સાંભળી કલેકટરે સમય મર્યાદામાં કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલા તમામ ૧૦ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. આ પ્રશ્નોમાં રી-સર્વે પ્રમોલગેશન બાદની ક્ષતિઓ સુધારવા બાબત, પાઈપલાઈનની મંજુરી આપવા અંગે, દબાણ દુર કરવા, સીસી રોડ બનાવવા અંગે, રસ્તા રીપેરીંગ અંગે, સ્ટ્રીટ લાઈટ, ઉકરડાની સફાઈ, વરસાદી પાણીના નિકાલ અંગે તથા કુવા બોરની નોંધણી અંગેના પ્રશ્નોનો સમાવેશ થાય છે. જેનું નિવારણ આવતા અરજદારોએ કલેકટરનો તથા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT