પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદર ખાતે 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણીના અંતગર્ત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જે અંતર્ગત તા.14 ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર એટહોમ કાર્યક્રમના સુચારૂ આયોજનને અનુલક્ષીને રાજ્યપાલના પ્રિન્સીપલ સેક્રેટરી અશોક શર્માના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી પોરબંદર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન 14મી ઓગસ્ટ 2025 ના રોજ પી એમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે યોજાનાર એટહોમ સમગ્ર કાર્યક્રમની મિનિટ ટુ મિનિટ ,કાર્યક્રમના સ્થળે રેઈન પ્રૂફ ડોમ,બેઠક વ્યવસ્થા, પાર્કિંગ સહિતના આયોજન અને વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.અને રાજ્યપાલના આગમન અને મૂવમેન્ટને ધ્યાનમાં રાખી સમયસર તમામ વ્યવસ્થા કરવા અંગે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.
રાજ્યપાલના પ્રિન્સીપલ સેક્રેટરી અશોક શર્મા દ્વારા ઝીરો એરર કાર્યક્રમનું સુચારુ આયોજન અંગે માર્ગદર્શન અને સૂચન કરવામાં આવ્યું હતું. અંતે, સમગ્ર આયોજનના દરેક તબક્કે સુઘડ સમન્વય અને કામગીરી માટે સંલગ્ન અધિકારીઓને સ્પષ્ટ સૂચનો આપવામાં આવ્યા હતા. વધુમાં પ્રિન્સીપાલ સેક્રેટરીએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક પેદાશોની વેચાણ વ્યવસ્થા કરવા, પોરબંદર જિલ્લાની કચેરીઓમાં વીજળી બચત અને જિલ્લામાંથી ટીબી નાબૂતિ અવેરનેસ કાર્યકર્મો કરવા સહિતના મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.
આ તકે જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, અધિક કલેક્ટર જે. બી. વદર, નાયબ પોલીસ અધિક્ષક ઋતુબેન રાબા, નાયબ કલેકટર એન. બી રાજપૂત, જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક જાખડ સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya