અમરેલી, 23 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લા ના ધારી તાલુકામાં પોરબંદરની એક મહિલાને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી મોટું આર્થિક ફ્રોડ કરવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર પોરબંદરની રહેવાસી મહિલા સાથે ત્રણ શખ્સોએ સંપર્ક સાધ્યો અને અમુક રકમમાં મોટું પ્રમાણમાં સોનું આપવાની લાલચ આપી હતી. આરોપીઓએ મહિલાને વિશ્વાસમાં લઈ રૂ. 7 લાખની રકમ પડાવડાવી હતી.
આ બનાવની માહિતી મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ હતી અને તપાસના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન ત્રણ શખ્સો – દિલીપ સોલંકી, ઈશ્વર વાઘેલા અને આસીફ રફાઈની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 6.40 લાખની રોકડ રકમ પણ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે.
આ રીતે પોલીસે ઝડપથી પગલાં લઈ મોટું આર્થિક નુકસાન ટાળ્યું છે. હાલ પોલીસ આરોપીઓની પૂર્વ હિસ્ટ્રી તથા અન્ય કોઈથી પણ આવી જ રીતે છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં આગળની તપાસ ચલાવી રહી છે. ઘટના બાદ પીડિત મહિલાએ ધારી પોલીસનો આભાર માન્યો છે અને લોકોને પણ સસ્તા સોના કે અન્ય લાલચમાં આવી ન જવાની અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai