પાટણ, 23 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજમાં મહેતા પરિવાર દ્વારા સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ અનિલકુમાર છોટાલાલ મહેતા (પૂર્વ નગરપાલિકા પ્રમુખ) અને લાભશંકર મહેતા પરિવાર દ્વારા માતુશ્રી સરસ્વતીબેન છોટાલાલ મહેતા (ઉ.વ. 93)ની શ્રદ્ધાંજલિ સભામાં પરંપરાગત રીતિ-રિવાજોથી હટીને નવતર અને સેવાભાવી અભિગમ અપનાવવામાં આવ્યો હતો.
જીગરભાઈ મહેતા અને પ્રતિકભાઈ મહેતા સહિત સમગ્ર પરિવાર દ્વારા વાલ્મીકિ સમાજના સભ્યોને તિથિ ભોજન કરાવાયું હતું. સાથે સાથે વાસણ કીટ અને વસ્ત્રોની ભેટ પણ આપવામાં આવી. આ અગાઉના પ્રસંગોમાં પણ મહેતા પરિવાર વાલ્મીકિ સમાજ માટે આ પ્રકારની ઉદાર સેવાઓ કરતો રહ્યો છે.
આ પ્રસંગે વાસણ દાન, અન્નદાન, વસ્ત્રદાન અને આર્થિક દાન જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હારીજ નગરના અગ્રણીઓ અને મહેતા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાનતા અને સમરસતાનો સંદેશ આપતી આ પહેલને ઉપસ્થિતોએ બિરદાવી હતી અને તેને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર