ભુજ - કચ્છ, 23 જુલાઇ (હિ.સ.) કચ્છ પોસ્ટલ ડિવિઝનમાં ભુજ મુખ્ય ટપાલ કચેરીથી એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી એપીટી 2.0 એટલે કે આઈટી 2.0નું રોલઆઉટ સમગ્ર જિલ્લામાં કરવામાં આવ્યું છે. આ નવી ટેકનોલોજી ટપાલ સેવાઓને વધુ ઝડપી, પારદર્શક અને ગ્રાહક કેન્દ્રી બનાવશે.
ગ્રાહક સેવામાં મોટો બદલાવ આવશે
જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ડી.એચ. તપસ્વીએ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી વિભાગની કાર્યક્ષમતા અને ગ્રાહક સેવામાં મોટો બદલાવ લાવશે. રોલઆઉટની ઉજવણી ભુજ હેડ પોસ્ટ ઓફિસ ખાતે કરાઈ હતી. એસ.પી. ઉપરાંત સહાયક સુપરિટેન્ડન્ટ ઓફ પોસ્ટ્સ એમ. વી. જોશી, ઈન્સ્પેકટર ઓફ પોસ્ટ્સ આર. એન. ખોજા અને બી. એચ. જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ટપાલના મુખ્ય કાર્યોને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવશે
એમ. વી. જોશીએ નવું સોફટવેર સફળતાપૂર્વક અમલમા મૂકવા માટે ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. એપીટી-આઈટી 2.0 એક નવી પેઢીની તકનિકી સિસ્ટમ છે જે ટપાલ વિભાગના મુખ્ય કાર્યોને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવશે. ગ્રાહકો માટે રિયલ ટાઈમ ટ્રેકિંગ, અપડેટેડ માહિતી અને સુગમ સેવા ઉપલબ્ધ થશે. કાર્યક્રમનું સંચાલન વિરલ ચૌહાણ પોસ્ટલ વિમા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA