દારૂ, સિગારેટ પીતો હોવાનું મમ્મીને કહી દઇશ એમ બ્લેકમેઇલ કરીને ભુજમાં 32 લાખની ચોરી કરાવી પુત્રને ગોવા મોકલી દીધો
જોકે, પોલીસ તપાસ દરમિયાન બે મિત્ર અમદાવાદથી મળી આવ્યા ભુજ- કચ્છ, 23 જુલાઇ (હિ.સ.) ભુજના ધનાઢ્ય પરિવારના એક નવયુવાનના તેના જ મિત્રોએ દારૂ-સિગારેટ પીવાનો તારો વીડિયો, તારી મમ્મીને બતાવી દઇશ..અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઘરમાંથી રોકડ સહિત રૂા
પ્રતિકાત્મક તસવીર


જોકે, પોલીસ તપાસ દરમિયાન બે મિત્ર અમદાવાદથી મળી આવ્યા

ભુજ- કચ્છ, 23 જુલાઇ (હિ.સ.) ભુજના ધનાઢ્ય પરિવારના એક નવયુવાનના તેના જ મિત્રોએ દારૂ-સિગારેટ પીવાનો તારો વીડિયો, તારી મમ્મીને બતાવી દઇશ..અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઘરમાંથી રોકડ સહિત રૂા. 32.30 લાખની મતાની ચોરી કરી તેના અન્ય મિત્ર સાથે બહાર ફરવા મોકલી દીધો હતો. પરંતુ તે બાળક અને મિત્ર અમદાવાદથી મળી આવ્યા બાદ આખો ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે.

મારી પાછળ આવતા નહીં એમ કહીને પુત્ર ગોવા નીકળી ગયો

આ ચોંકાવનારા બનાવ અંગે મોડી રાતે જૂના રાવલવાડી પાસેના સિદ્ધાર્થ પાક ખાતે રહેતા અને બિલ્ડર્સ તરીકે વ્યવસાય કરતા ટ્વીન્કલસિંઘ માધવેન્દ્રસિંઘ રાજપૂતે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ માધવેન્દ્રસિંઘનું છ માસ પૂર્વે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. જે એમ.વી.એસ. એરફોર્સ ભુજમાં બિલ્ડર્સ તરીકે કામ કરતા હતા. ફરિયાદીની દીકરી મુશ્કાનસિંઘ એમ.ડી. (પેથોલોજી)નો અભ્યાસ બહાર કરે છે અને તેનો નાનો 19 વર્ષીય દીકરો ઇશાનસિંઘ ધો. 12માં ભુજમાં એક્સટર્નલ અભ્યાસ કરે છે. ફરિયાદીને લખનૌ (યુ.પી.) જવાનું હોઇ તા. 16/7ના ઘરમાં પડેલી રોકડ અને દાગીના તિજોરીમાં લોક કરી દીકરાને કહી નીકળી ગયા હતા. આ બાદ ફરિયાદીને તા. 21/7ના સવારે દીકરી મુશ્કાન સિંઘે જણાવ્યું કે, મને ઇશાનસિંઘનો નવા નંબરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, હું ગોવા જવા નીકળી ગયો છું, મારી પાછળ આવતા નહીં, નહિંતર હું ખોટું પગલું ભરી લઇશ.

ઘરની તિજોરીમાંથી રોકડ અને દાગીના ગુમ થયા

આ બાદ ફરિયાદી એ જ દિવસે વાયા દિલ્હી ફ્લાઇટથી ભુજ આવી ઘરની તિજોરી ખોલતા તેમાંથી રોકડા રૂા. આઠ લાખ, સોનાના વિવિધ ઘરેણાં તથા એક સોનાનો બિસ્કીટ એમ કુલ્લે રૂા. 32,30,000નો મુદ્દામાલ જોવા ન મળતાં ફરિયાદીને થયું આ રોકડ તથા મતા તેનો દીકરો લઇને ગોવા જતો રહ્યો છે.

બે માસ જૂની ઘટનામાં પુત્રને ધમકી મળતી હતી

ફરિયાદીએ એ-ડિવિઝન પોલીસ મથકે આવી વિગતે વાત કરતાં પોલીસે અમદાવાદ એલસીબીની મદદથી અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઇશાનસિંઘ અને તેની મિત્રને શોધી ભુજ લઇ આવ્યા હતા. આ બાદ ફરિયાદીએ પુત્ર ઇશાનસિંઘને આ બાબતે પૂછતાં તેણે જણાવ્યું કે, આજથી બે માસ પહેલાં હું રાહુલ સોલંકી સાથે ઇંગ્લીશ દારૂ તથા સિગારેટ પીધી હતી ત્યારે રાહુલે મારી વીડિયોગ્રાફી પોતાના મોબાઇલમાં કરી લીધી હતી. આ બાદ તે મને વારંવાર ધમકીઓ આપતો કે, જો તું તારા ઘરેથી મને પંદર લાખ લઇને નહીં આપ તો હું આ વીડિયો તારી મમ્મીને બતાવી દઇશ. તારા મમ્મી તને જાનથી મારી નાખશે.

કાતરથી તિજોરી તોડવા નાકામ પ્રયાસ, ચાવીવાળાને બોલાવ્યો

ત્યારબાદ તા. 18/7ના રાતે રાહુલ ઘર આવી ફરી એ જ ધમકી આપી ઘરની તિજોરીમાંથી ચોરી કરવા કહ્યું હતું. ગભરાઇને ઇશાનસિંઘે કાતરથી તિજોરી ખોલવા પ્રયાસ કર્યો પરંતુ ખુલી ન હતી. બીજા દિવસે રાતે ઇશાનસિંઘ તેના મિત્રો સાથે ઘરે ગેમ રમી રહ્યો હતો ત્યારે ફરી રાહુલ આવીને કહ્યું કે, મને તિજોરી તોડવા આપ, નહિંતર વીડિયો તારી મમ્મીને બતાવીશ. બ્લેકમેઇલથી ડરી હા પડી અને સાથી મિત્રોને આ બાબત કોઇને ન કહેવા મદદ કરવા ઇશાનસિંઘે કહ્યું હતું. આ બાદ તાળા વાળાને ઘરે લઇ આવ્યા હતા અને રાહુલે જણાવ્યું કે, હું ઇશાનસિંઘનો મામા છું, તિજોરીમાં જરૂરી કાગળો છે જે અમને ઇમરજન્સીમાં સવારે લઇ જવા છે. તિજોરીની ચાવી ગૂમ થઇ ગઇ છે.

મિત્રે બે જણને ભગાડીને વાત કરવાની ના પાડી હતી

સરદારને વિશ્વાસ આવી જતાં ચાવી બનાવીને તિજોરીનો લોક ખોલી આપ્યો હતો. આ બાદ રાહુલ તમામ રોકડ તથા દાગીનાની ચોરી કરી જતો રહ્યો હતો અને સવારે રાહુલે કહ્યું કે, આ ચોરીની તારી મમ્મીને ખબર પડશે તો તું શું જવાબ આપીશ. આથી તું મિત્રો સાથે ગોવા ફરવા જતો રહે, તમારા મોબાઇલ મને આપી દો, હું બીજા મોબાઇલ લઇ આપીશ. ભાગ્યા પછી મારા સિવાય કોઇ સાથે વાત ન કરતા, મામલો ઠંડો પડતા બોલાવી લઇશ. આ બાદ રાહુલે 70 હજાર રોકડા આપી, ગોવાનું પેકેજ બુક કરાવી ઇશાનસિંઘ અને અન્ય એક મિત્રને અમદાવાદ મોકલી દીધા હતા.

ગોવાનું બૂકિંગ પણ પૈસા ચોરી જનારા મિત્રે કરાવી આપ્યું

ગોવાની બુકિંગ પણ રહુલ ઉર્ફે રવીએ કરાવી આપી હતી.આ દરમ્યાન ફરિયાદી ટ્વીન્કલસિંઘ ભુજ એરપોર્ટ પર પહોંચતાં તેને લેવા રાહુલને બોલાવ્યો હતો અને એ-ડિવિઝનમાં પોલીસને બાબતની જાણ કરવા ગયા ત્યારે રાહુલ પણ સાથે જ હતો અને જણાવ્યું કે, મારા ફોન પરથી પોલીસ તમારી સાથે વાત કરે તો સાચું લોકેશન આપતા નહીં. આ બાદ ઇશાનસિંઘ અને સાથેનો મિત્ર કોલકાતાની ફ્લાઇટ માટે ચેકિંગ કરાવતા પોલીસ આવી ગઇ હતી અને પકડીને ભુજ લઇ આવી હતી.

આ બે જણ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી

ઇશાનસિંઘની આ કેફિયત બાદ ટવીન્કલસિંઘે આરોપી રાહુલ ભગવાનજી સોલંકી (રહે. સિદ્ધાર્થ પાર્ક, ભુજ) અને રાહુલ ઉર્ફે રવી મોહનભાઇ મહેશ્વરી (રહે. માનકૂવા)એ મારા દીકરાને બ્લેકમેઇલ કરી બળજબરીથી ચોરી કરી ધાકધમકી કરી ગોવા ફરવા મોકલી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો તળે ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande