પાટણ, 23 જુલાઈ (હિ.સ.) પાટણના 42 લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળમાં મોટા વિવાદનો ભથ્થો ફાટી નીકળ્યો છે. મંડળના પ્રમુખ કીર્તિભાઈ અને મંત્રી લાલજીભાઈ પટેલે 34 આજીવન સભ્યો અને કાયમી ટ્રસ્ટીઓના નામ પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટરમાંથી રદ કરવા ચેરિટી કમિશનર કચેરીમાં અરજી કરી છે.
આ નિર્ણયનો યુવા મંડળના પ્રમુખ સોહન પટેલ અને ઉપપ્રમુખ હાર્દિક પટેલે વિરોધ કર્યો છે. તેમણે વાંધા અરજી દાખલ કરી છે અને ચેરિટી કમિશનરને વિનંતી કરી છે કે આ સભ્યોને રદ કરતા પહેલા તેમને રૂબરૂ સાંભળવામાં આવે તથા તેમનું સ્વૈચ્છિક રાજીનામું મેળવીને જ નિર્ણય લેવામાં આવે.
સોહન પટેલે વધુમાં જણાવ્યું કે, જો ચેરિટી કચેરીમાંથી ન્યાય નહીં મળે તો તેઓ સંકલન સમિતિ અને હાઈકોર્ટ સુધી લડતને આગળ વધારશે. તેમના જણાવ્યા મુજબ 34 સભ્યો કાયમી ટ્રસ્ટીઓ પણ છે, અને તેમને એકસાથે રદ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે વિવાદાસ્પદ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર