ભુજ - કચ્છ, 23 જુલાઈ (હિ.સ.)
હાલમાં સાત-આઠ દિવસથી વરસાદનાં ઝાપટાં બંધ રહેતાં ધરતીપુત્રો નિંદામણ, વિખેડા, દવા છંટકાવ સહિતના કામોમાં જોતરાયા છે. જિલ્લામાં સચરાચર વરસાદથી કપિત જમીનોમાં 70થી 80 ટકા વાવણી થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
મગફળીના પાકનું વાવેતર વધારે
હાલના વરસાદ દરમિયાન, મગફળી, મગ, જુવાર, ગુવાર સહિતના પાકોનું વાવેતર થયું છે. સીમાડામાં ચારે તરફ હરિયાળી દેખાઈ રહી છે, જે વચ્ચે મજૂરવર્ગ તથા ખેડૂતો નિંદામણ સહિત વિવિધ ખેતકામોમાં જોતરાતાં સીમાડા શોભી રહ્યા છે. આ અંગે માંડવી તાલુકાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, કાંઠાળ વિસ્તારમાં મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં થયું છે, જેમાં સમયસર વરસાદ થતાં ફાયદો થયો છે.
વરસાદે વિરામ લેતાં વાવણીને ફાયદો
હાલમાં વરસાદ પોરો ખાતાં પિયત જમીનોમાં હાલે વાવણી ચાલુ છે. જેમાં વાવણી સમયસર થઈ ગઈ હતી તેમાં નિંદામણ-વિખેડા ચાલુ છે. આ કામ પૂર્ણ થતાં સારો વરસાદ આવે તો પાક 70થી 80 ટકા જેટલો થઈ જાય તેવી આશા સાથે ખેડૂતો ખેતરોમાં વ્યસ્ત હોવાનું કહ્યું હતું. ઉલ્લેખનિય છે કે, અબડાસા વિસ્તારમાં પણ મગફળી માટે કિસાનો આગળ આવી રહ્યા છે. જિલ્લામાં વરસાદના વિરામનો કૃષિકારોને ફાયદો થયો હોવાનુ મનાય છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA