ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) આગામી તા.૨૫/૦૭/૨૦૨૫ થી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય અને શ્રધ્ધાળુઓ મોટા પ્રમાણમાં વાહનો લઈને આવતા હોય છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિકની સમસ્યા નિવારવા જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામા અનુસાર સોમનાથ મંદિર મુકામે શ્રાવણ માસ દરમ્યાન આવતા શ્રધ્ધાળુઓના વાહનોની એન્ટ્રી (૧) સફારી બાયપાસ અને વેરાવળ શહેર તરફથી આવતા તમામ પ્રકારના વાહનો ગુડલક સર્કલ થઈ વેણેશ્વર ચોકડી થઈ એક માર્ગીય રીતે ન્યુ ગૌરીકુંડ પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મુકીને દર્શનાર્થી દર્શન કરી પરત ફરે ત્યારે પાર્કિંગમાંથી વાહનો લઈ ત્રિવેણી રોડ ઉપર આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ ઉપર સોમનાથ ટ્રસ્ટના એકઝીટ ગેટથી બહાર નીકળી અવધુતેશ્વર મહાદેવ ત્રણ રસ્તા થઈ સફારી બાયપાસથી બહાર નીકળશે તથા (૨) ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી ઘાટ સુધીનો રસ્તો નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા.૨૫/૦૭/૨૦૨૫ના રોજ કલાક ૦૦:૦૦ થી તા.૨૩/૦૮/૨૦૨૫ના રોજ કલાક ૦૮:૦૦ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહીતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ