જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના જાયવા ગામે ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. તેઓએ રેકર્ડ ચકાસણી કરી લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ વેરા વસુલાત, ડીજીટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા, દબાણો દુર કરવા તથા ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળે તે પ્રકારે કામગીરી કરવા સરપંચ તથા અધિકારીઓને જણાવ્યું હતું.
કલેકટર કેતન ઠક્કરે જાયવા પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ક્લાસરૂમની સંખ્યા તેમજ ફાયર સેફટી અંગે માહિતી મેળવી હતી. તેઓએ શાળાના સ્માર્ટ ક્લાસરૂમની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. બાદમાં મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઇ બાળકોને આપવામાં આવતા ભોજનની જાતે ચકાસણી કરી હતી. તથા શિક્ષકોને શાળાના પટ્ટાંગણમાં વૃક્ષોનું વાવેતર કરવા તથા વિદ્યાર્થીઓને કિચન ગાર્ડનીંગ શીખવાડવા જણાવ્યું હતું.
જાયવા પ્રાથમિક શાળામાં જરૂરિયાતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા અંગે તથા સારી રીતે શાળાનું સંચાલન થઇ રહ્યું હોવાથી કલેકટરે આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા તથા શિક્ષકોની અને અગ્રણીઓની કામગીરીને બિરદાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT