જુનાગઢ 23 જુલાઈ (હિ.સ.)
સોરઠની સૌથી જૂની વિદ્યાપીઠ એવી બહાઉદ્દીન કોલેજને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આદર્શ મહાવિદ્યાલય તરીકે માન્યતા આપવામાં આવી છે. આદર્શ મહાવિદ્યાલયની શ્રેણીમાં સ્થાન મળતા હવે આ કોલેજોને શિક્ષણ, સંશોધન અને આધુનિક શૈક્ષણિક માળખા માટે વિવિધ પ્રકારના લાભ અને સવલતો માટે સરકાર દ્વારા રૂ.૩ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.
રાજ્યની ૧૩૬ સરકારી કોલેજોમાંથી ગુજરાતની પાંચ કોલેજને આદર્શ મહાવિદ્યાલય તરીકે પસંદગી થઈ છે. તેમાંથી ૨ કોલેજ જૂનાગઢની છે. જેમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજ અને બહાઉદ્દીન આર્ટસ કોલેજનો સમાવેશ થાય છે.ગુજરાતની ઐતિહાસિક અને હેરિટેજ ધરાવતી સવાસો વર્ષ જૂની વિદ્યાપીઠ એટલે બહાઉદ્દીન કોલેજ. જેમાં ૧૯૦૧ થી શૈક્ષણિક ધબકારાઓ સંભળાઈ રહ્યા છે. એવા આ બહાઉદીન કોલેજના કેમ્પસમાં આજે બહાઉદ્દીન આર્ટ્સ અને બહાઉદ્દીન સાયન્સ એવી બે કોલેજો આવેલી છે.આ બંને કોલેજને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના માધ્યમથી આદર્શ મહાવિદ્યાલયમાં સમાવેશ થયેલ છે.
આ આદર્શ મહાવિદ્યાલયની ગ્રાન્ટમાં મોડર્ન ડિજિટલ લાઇબ્રેરી, સમગ્ર કોલેજના તમામ ક્લાસ સ્માર્ટ ક્લાસ ,અતિ આધુનિક સેમિનાર હોલ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે ઇન્ક્યુબેશન સેન્ટર બધું મળી કુલ ૩ કરોડ જેમાં બંને કોલેજ ને ૧.૫ કરોડની માતબર ગ્રાન્ટ પાસ થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હેરિટેજ કોલેજ તરીકે બંને કોલેજને રીનોવેશન માટે ત્રણ ત્રણ કરોડની ગ્રાન્ટ તાજેતરમાં સરકારે આપેલી હતી જેનું કાર્ય હાલમાં ચાલુ છે. આ ઉપરાંત સરકાર દ્વારા બંને કોલેજની હોસ્ટેલોનું પણ નવું બાંધકામ અને સમારકામ ચાલુ છે. જે માટે પણ સરકાર દ્રારા ગ્રાન્ટ ફાળવેલી છે. બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ GSIRF માં 4 સ્ટાર પ્રાપ્ત થયેલ છે અને NIRF માં 77 માં ક્રમનું ઓલ ઇન્ડિયા રેન્કિંગ ધરાવતી એકમાત્ર સરકારી કોલેજ કે જ્યાં વિદ્યાના ધબકાર સવાસો વર્ષથી ગુંજે છે. જે કોલેજના વિદ્યાર્થીઓ IIT JAM માં પણ ભારત કક્ષાએ ઝળકેલા છે.
રીલાયન્સ જેવી ઇન્ડસ્ટ્રીમાં પણ પ્લેસમેન્ટમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ પસંદગી પામે છે. આ જ રીતે બહાઉદ્દીન આર્ટસ કોલેજ પણ ભવ્ય બિલ્ડિંગ, શ્રેષ્ઠ શિક્ષણ સાથે ગુજરાતમાં નામના ધરાવે છે. આવી કોલેજની મુલાકાત લઈ વર્તમાન ઉચ્ચ શિક્ષણ કમિશનર અને પ્રભારી સચિવ દિલીપ રાણાએ આનંદ વ્યક્ત કર્યો હતો સાથે આ કોલેજો જે આટલું શ્રેષ્ઠ કાર્ય કરે છે તેને બધી જ સવલતો મળી રહે અને બંને કોલેજો હંમેશા અગ્રેસર બની રહેશે તેવી હૈયા ધારણા બન્ને કોલેજના આચાર્યો ને આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ