બોટાદ 23 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક પ્રશ્નો ઊઠી રહ્યાં છે. જિલ્લાની શાંતિભંગ કરતી પ્રવૃત્તિઓ જેમ કે ખુલ્લેઆમ દારૂના અડ્ડા, જુગારધામો અને અનૈતિક પ્રવૃત્તિઓ સામે સ્થાનિક લોકોએ ઘણી વખત વિરોધ વ્યક્ત કર્યો હોવા છતાં, યોગ્ય કાર્યવાહી થઈ રહી નથી તેવી ગંભીર ફરિયાદો સાંપડી રહી છે.
આ સંદર્ભમાં બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેમણે આરોપ મૂક્યો છે કે ભલે રાજય સરકાર દારૂ અને જુગાર સામે 'શૂન્ય સહનશીલતા' ની નીતિની વાત કરે, છતાં બોટાદમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી છે. એમના જણાવ્યા અનુસાર, આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કોઈપણ પ્રકારની ગંભીર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે અસમાજિક તત્વોનું મનોબળ વધ્યું છે.
ધારાસભ્યએ આ સમગ્ર પરિસ્થિતિમાં જિલ્લા પોલીસની ભૂમિકા પર ગંભીર શંકા વ્યક્ત કરતા મુખ્યમંત્રીને પોલીસ અધિક્ષકની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી છે. સાથે જ, તેમણે બોટાદ જિલ્લામાં કડક, ઈમાનદાર અને કાર્યવાહી માટે પ્રતિબદ્ધ એવા અધિકારીની નિમણૂક કરાય તેવા સૂચન પણ કર્યા છે, જેથી જિલ્લા માટે યોગ્ય કાયદો વ્યવસ્થાનું પરિચલન થવું શક્ય બને.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai