મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) વિસનગર શહેરમાં હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે છેલ્લા ઘણા સમયથી નાગરિકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. વાહન વ્યવહારમાં અવરોધ, રાત્રિના અકસ્માતોની શક્યતા અને સામાન્ય જનજીવનમાં દિનપ્રતિદિન વધતી અસુવિધાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા મંગળવારે રાત્રે ખાસ ડ્રાઈવ યોજી હતી.
પાલિકા કર્મચારીઓની ટીમે મોડી રાત્રે આ અભિયાન ચલાવ્યું હતું અને શહેરના વિવિધ વિસ્તારો તથા હાઈવે પર ફરતાં કુલ 35 રખડતા ઢોરોને પકડી લેવામાં આવ્યા હતા. તમામ ઢોરોને વાહનોમાં ભરીને શહેરની નજીક આવેલી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.
આ કાર્યવાહીથી શહેરના નાગરિકો અને વાહનચાલકોને રાહત મળી છે. રખડતા ઢોરને કારણે સર્જાતી અસુવિધા અને જોખમમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શહેરીજનોમાં પાલિકાના આ પગલાની પ્રશંસા થઈ રહી છે અને ભવિષ્યમાં પણ આવાં અભિયાન સતત ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR