પાટણ, 23 જુલાઈ (હિ.સ.) : GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુરના ઑબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગ દ્વારા 3D લેપ્રોસ્કોપિક સર્જરી પર દ્વિદિવસીય રાષ્ટ્રીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું. વર્કશોપમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કુલ 25 નિષ્ણાત ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો અને 25 જેટલાં જટિલ ઓપરેશનોનું આધુનિક 3D ટેક્નોલોજી દ્વારા જીવંત નિદર્શન કર્યું હતું. આ ઓપરેશનોનું સેટેલાઇટ મારફતે પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપનું સંચાલન વિભાગના વડા ડૉ. ઉદયભાઈ પટેલ અને તેમની ટીમે કર્યું હતું. એનેસ્થેસિયા વિભાગે દર્દીઓને કોઈ જટિલતા વિના નિભાવ આપતાં રાત દિવસ સેવા આપી હતી. મેડિસિન વિભાગ, નર્સિંગ સ્ટાફ અને ઓટી ટીમના સમન્વયથી સમગ્ર વર્કશોપ સુસંગત રીતે સફળ રહ્યું હતું.
સંસ્થાના ડીન ડૉ. હાર્દિકભાઈ શાહના માર્ગદર્શન અને હોસ્પિટલના એમ.એસ. ડૉ. પારુલબેન શર્મા તેમજ આર.એમ.ઓ. ડૉ. રમેશભાઈના સહયોગથી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થતી રહી. આ નેશનલ વર્કશોપથી GMERS મેડિકલ કોલેજ, ધારપુરનું રાષ્ટ્રીય સ્તરે નામ ઊંચું થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર