જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમીના પર્વ ઉપર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળાનું આયોજન કરેલ હોય પરંતુ પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસટી બસ સ્ટેન્ડ પણ કાર્યરત છે. જેને લઇને શહેરીજનોમાં મેળાના દિવસો દરમિયાન ભારે ટ્રાફિક સમસ્યા સર્જાવાની દહેશતને ધ્યાને લઇ મહાનગરપાલિકા કમિશનર ડી.એન.મોદીએ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને સાથે રાખી પ્રદર્શન ગ્રાઉન્ડ, એમ.પી.શાહ ગ્રાઉન્ડ, આઇટીઆઇ તેમજ વિવિધ રસ્તાઓની સ્થળ મુલાકાત લીધી હતી. તેમજ કેવા પ્રકારે અને ક્યાંથી લોકોની અવર-જવર અને વાહનોની અવર-જવર થશે તેનું પ્રેઝન્ટેશન પણ બતાવ્યું હતું.
આ મેળાનું આયોજન પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ કરવાથી કેવા પ્રકારની મુશ્કેલી પડે અને તેનું સોલ્યુશન શું હોય શકે? તે અંગે પણ જુદા-જુદા વિભાગના અધિકારીઓ સાથે પણ મીટીંગનો દોર યોજીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ મેળો યોજી શકાય કે કેમ? તે અંગેનો અહેવાલ આવતીકાલે મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં કમિશનર દ્વારા રજૂ કરાશે. ત્યારબાદ આ અહેવાલ ઉપર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સભ્યો અભ્યાસ કરીને મેળાને આખરી મંજૂરીની મ્હોર મારશે.
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણ માસમાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન 15 દિવસ મેળાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત પછી મેળા અંગેની પ્રાથમિક તૈયારીઓ પણ મહાનગરપાલિકાએ કરી લીધી છે અને આ માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા જુદા-જુદા મનોરંજનના સાધનો તેમજ વિવિધ સ્ટોલો અંગેની પણ જાહેર હરરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આ સમયે મેળાના આયોજનને લઇને ટ્રાફિક સમસ્યા ઉભી થવાની સંભાવનાઓ અને લોકોની દહેશતોને ધ્યાને લઇ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ કમિશનરને આ અંગે અહેવાલ માંગ્યો હતો.
જે અંગે મહાનગરપાલિકા કમિશનર ડી.એન.મોદીએ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને સાથે રાખીને સાત રસ્તા, પ્રદર્શન ગ્રાઉન્ડ સહિત મેળાની આસપાસની તમામ સ્થળો તેમજ રોડ-રસ્તાનું નિરીક્ષણ કરેલ હતું અને લોકોની તથા વાહનોની અવર-જવર, પાર્કિંગની સુવિધા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે પ્લાન નકશા નિહાળ્યા બાદ જાત મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન કમિશનરની સાથે ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની, સિટી ડીવાયએસપી જયવિરસિંહ ઝાલા સહિતના ટ્રાફિક પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT