વલસાડ, 23 જુલાઈ (હિ.સ.)-રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત અને નિયામક આયુષની
કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારી માર્ગદર્શન હેઠળ
વલસાડના સરકારી આયુર્વેદ દવાખાના હરિયા દ્વારા વલસાડ તાલુકાની પારનેરા સાર્વજનિક ઉચ્ચતર
માધ્યમિક શાળા ખાતે શાળાની વિદ્યાર્થીનીઓ માટે કિશોર અવસ્થાના સામાન્ય રોગો અંગે પરિસંવાદનું
આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરિસંવાદમાં સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.દિવ્યા સોલંકીએ રાજ્ય સરકારના સ્વસ્થ
ગુજરાત, મેદસ્વિતામુક્ત
ગુજરાત અભિયાન અંગે જણાવ્યું કે,બદલાતી જતી જીવનશૈલી, બેઠાડું જીવન, અનિયમિત દિનચર્યાઅનેજંક ફૂડ સહિત અનેક કારણોસર કિશોરીઓમાં પિરિયડ્સ (માસિક)ને લગતી
સમસ્યાઓમાં પણ ખૂબ વધારો થઈ ગયો છે. અનિયમિત માસિક, માસિકમાં ખૂબ જ વધુ કે સાવ ઓછો રક્તસ્ત્રાવ થવો, માસિકમાં અસહ્ય દુખાવો થવો, પીસીઓડી તથા વંધ્યત્વ
વગેરે જેવી સમસ્યાઓ સામાન્ય બની છે. મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. આ બધી સમસ્યાઓમાં
આયુર્વેદ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે યોગ્ય માર્ગદર્શન આપી કિશોરીઓને માહિતગાર
કરવામાં આવી હતી. માસિક ધર્મમાં થતી તમામ પ્રકારની સમસ્યાઓ માટે તે ખૂબ જ ફાયદાકારક
છે. માસિકની તમામ સમસ્યાઓથી દૂર રહેવા અને મેદસ્વિતાનું પ્રમાણ ઘટાડવા માટે જંક ફૂડ
ખાવાનું ટાળો, નિયમિત વોક કરો, યોગ કરો, આસન કરો,લીલા શાકભાજીનું સેવન
કરો,
ફળોનું સેવન કરો, જરૂરિયાત પ્રમાણે ગરમ
પાણીનું સેવન કરો તથા કબજિયાત ન થવા દો.
વધુમાં તેમણે જણાવ્યું કે, કિશોર અવસ્થા સામાન્ય રીતે સ્વાસ્થ્ય અને શારીરિક સોષ્ઠવના નિર્માણનો સમયગાળો છે.
આ દરમિયાન શરીર અને મનમાં ઘણા ફેરફારો થતા હોય છે. જેથી આ સમય ખૂબ જ નાજુક બની જતો
હોય છે. આ સમયમાં થતા ફેરફારોને જો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો ભવિષ્યમાં ઘણી
બધી તકલીફોથી બચી શકાય છે નહીં તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બદલાતી સામાજિક
પરિસ્થિતિઓની વચ્ચે આ અંગે જાગૃતિ ફેલાય તે હેતુસર આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું
છે. ભારતની કુલ વસ્તીના ૨૨ % કિશોરવય ધરાવે છે તેમના સ્વાસ્થ્યમાં કુપોષણ, એનિમિયા, વહેલું ગર્ભાધાનઅનેએચઆઈવી સહિતના ગંભીર સંક્રમણો પણ જોવા મળે
છે. કિશોરીઓમાં કાચી વયે ગર્ભધારણના કારણે મૃત્યુદરનું પ્રમાણ પણ વધ્યું છે. જે અટકાવવા
માટે આ અંગે માર્ગદર્શન આપવું જરૂરી બને છે. જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ઉર્વીબેન
પટેલ દ્વારા કેમ્પની મુલાકાત લઈ વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શાળા અને છાત્રાલયના સર્વે વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું
હતું સાથે લોહીની તપાસ પણ કરવામાં આવી હતી. ગ્રામજનો માટે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું
પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હરિયા આયુર્વેદ અને હોમિયોપેથિક દવાખાનાના
મેડિકલ ઓફિસર, સિવિલ હોસ્પિટલ આયુર્વેદ અને હોમિયોપેથી ઓપીડીના મેડિકલ ઓફિસર
દ્વારા સેવા આપવામાં આવી હતી અને શાળાના આચાર્યશ્રી, શિક્ષકો,આંગણવાડી બહેનો, સબ સેન્ટરના સીએચઓ અને અન્ય કાર્યકર્તાઓએ સહકાર આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે