જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : જામનગર તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનામાં કાર્યરત બ્લોક અને ક્લસ્ટર કો-ઓર્ડિનેટરો માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડના અધ્યક્ષ સ્થાને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કમિશ્નર, ગ્રામ વિકાસ કચેરી, ગાંધીનગર, રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા (SIRD) ગુજરાત, અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), જામનગરના સંયુક્ત ઉપક્રમે આ તાલીમનું આયોજન થયું હતું. આ તાલીમમાં જામનગર, પોરબંદર, અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કો-ઓર્ડિનેટરોએ ભાગ લીધો હતો.
SIRD ના વિશેષ નિયામક બી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલીમાર્થીઓને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ ના વિવિધ ઘટકો અંગે માહિતગાર કરવામાં આવ્યા.આ પ્રસંગે રાજ્ય કક્ષાએથી SIRD ના કોર ફેકલ્ટી નીલાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડી.આર.ડી.એ નિયામક શારદા કાથડે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં સામાજિક પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ટીમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નીલાબેન પટેલ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાલીમના ઉદ્દેશો અને પરિણામલક્ષી અસરકારક કામગીરી વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
SIRD ના માસ્ટર ટ્રેનર્સે તમામ તાલીમાર્થીઓને SBM ફેઝ-૨ ના વિવિધ ઘટકો અંગે પ્રેઝન્ટેશન, શોર્ટ વિડીયો ક્લિપ, ગ્રુપ ડિસ્કશન, અન્ય પ્રવૃત્તિઓ, અને સંવાદ જેવા માધ્યમો દ્વારા પ્રશિક્ષણ પૂરું પાડ્યું હતું.સ્વચ્છ ભારત મિશનના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર વિજયભાઈ ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા તાલીમનું સફળ આયોજન કરાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT