મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.)
ગુજરાત સરકાર શ્રી દ્વારા આયોજિત PSE (પ્રાથમિક શિષ્યવૃત્તિ) અને SSE (માધ્યમિક શિષ્યવૃત્તિ) પરીક્ષા 2024-25માં ઊંઝાની શ્રી કન્યા કેળવણી મંડળ સંચાલિત વિદ્યાલયોની બે હોશિયાર વિદ્યાર્થીનીઓએ ગુજરાત રાજયસ્તરે ધમાકેદાર સફળતા મેળવી છે.
SSE સ્કોલરશીપ પરીક્ષા માટે ગુજરાતમાંથી કુલ 54,394 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 34,813 વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા. તેનીમાંથી 2,768 વિદ્યાર્થીઓનું મેરીટમાં સ્થાન થયું છે. મહેસાણા જિલ્લામાંથી કુલ 82 વિદ્યાર્થીઓની પસંદગીમાં ઊંઝાની સેકન્ડરી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની મિત્તલબેન હરખાભાઈ પ્રજાપતિએ પણ સ્થાન મેળવ્યું છે, જે સમગ્ર શાળા માટે ગૌરવની વાત છે.
તે જ રીતે, PSE શિષ્યવૃત્તિ પરીક્ષામાં રાજ્યમાંથી 1,95,779 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 94,791 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને તેમાથી ટોપ 1,000 વિદ્યાથીઓની મેરીટ યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાં મહેસાણા જિલ્લાના 32 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે. તેમાં જી.મ.કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીની ખુશી સંદીપકુમાર સુથારનો પણ સમાવેશ થયો છે.
બે નિવડતી વિદ્યાર્થીનીઓને સરકારશ્રી દ્વારા શિષ્યવૃત્તિ મળશે તથા તેમની આ સિદ્ધિને લઈને સમગ્ર કન્યા કેળવણી મંડળ પરિવારને ગૌરવ અનુભવાય છે. વિદ્યાલય પરિવાર તરફથી બંને વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં
આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR