ભુજ - કચ્છ, 23 જુલાઈ (હિ.સ.) : નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે આવેલી ગૌચર જમીનમાં બ્લેકટ્રેપ લીઝ માટે માગણી કરાઇ છે. ગ્રામ પંચાયત હસ્તક ગૌચર જમીન પણ ઓછી પડે છે, પરંતુ ગૌચર જમીન કપાત અંગે ગામલોકોનો વિરોધ હોવાથી ગ્રામ પંચાયતના સરપંચ સહિતના અગ્રણીઓ દ્વારા નાયબ કલેક્ટર-નખત્રાણાને આવેદનપત્ર આપી બ્લેકટ્રેપ નામંજૂર કરવા જણાવાયું હતું.
બ્લેકટ્રેપવાળી જગ્યા પાસે રમતગમતનું મેદાન
ઉગેડીમાં પશુઓની અંદાજે 2000-2500 સુધીની સંખ્યા છે. જો બ્લેકટ્રેપ લીઝ આવે, તો માલધારીઓની રોજી-રોટી ખોરવાય અને સ્થળાંતરની ફરજ પડે તેમજ ખેતીને પણ નુકસાન થાય. વળી, મથલ ડેમ સાત કિ.મી.ના અંતરે છે, તેથી ભૂગર્ભજળને પણ નુકસાની થવાની સંભાવના આ ઉગેડીના સરપંચ કરણભાઇ રબારીએ વર્ણવી હતી. બ્લેકટ્રેપવાળી જગ્યા પાસે રમતગમતનું મેદાન હોવાથી ખલેલ તેમજ ધૂળથી સ્વાસ્થ્યને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. છેલ્લાં ત્રણ વર્ષથી આ બાબતે વિવિધ કચેરીઓમાં રજૂઆત કરાઇ હોવા છતાં પંચાયત દ્વારા ઠરાવ કરી પુરાવા રજૂ કરાયા હોવાનું તેમજ સુનાવણી વખતે વિરોધ નોંધાવ્યો હતો, રદ કરવા અરજ પણ કરાઇ હતી, પરંતુ આ અરજને નજરઅંદાજ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
તો નાછૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી
દરેક અગ્રણીઓ અને ગામલોકોને આ બ્લેકટ્રેપ અંગે વિરોધ હોવાનો ઠરાવ પણ કરાયો હોવા છતાં કોઇ નોંધ ન લેવાઇ હોવાની ફરિયાદ કરાઇ હતી. ગૌચર જમીન ઓછી છે, તે વધુ આપવા અરજી કરાઇ હતી અને જમીન બ્લેકટ્રેપ માટે આપવાની લીઝને ચાલુ કરવામાં આવશે, તો નાછૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવું ઉગેડી ગામલોકોએ જિલ્લા કલેક્ટર તેમજ નાયબ કલેક્ટર-નખત્રાણાને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હોવાનું સરપંચ કરણભાઇ ભોજરાજ રબારીએ જણાવ્યું હતું. મીઠુભાઇ વાઘેલા, રબારી હભુ હીરા, ભૂપતસિંહ સોઢા, વેરશી દેવા રબારી, ડાયાલાલભાઇ પટેલ, પરસોત્તમભાઇ વાઘેલા, ખીમજી પટેલ, સલીમ ખલીફા, રફીક કુંભાર, આંબાજી જાડેજા વિ.એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA