સુરત, 23 જુલાઈ (હિ.સ.)- શહેરના મહીધરપુરા વિસ્તારમાં આયુર્વેદિક ગરનાળાથી લાલ દરવાજા તરફ જતા રોડ ઉપર એક યુવકે પોતાની બાઈક રસ્તા વચ્ચે પાર્ક કરી હતી. જેથી ટ્રાફિક પોલીસની ક્રેન દ્વારા આ બાઇકને ટોઈંગ કરવામાં આવતા બાઇક ચાલક યુવકે ક્રેનમાં હાજર બે કર્મચારીઓ સાથે એલ ફેલ ગાળા ગાળી ઝપાઝપી કરી એક યુવકને માર મારી તેનું ટીશર્ટ ફાડી નાખ્યું હતું. જેથી પોલીસે તેની બાઈક જપ્ત કરી તેને તેને પકડી પાડી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ વલસાડના વાપી તાલુકાના દેહગામ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ કણબીવાડમાં રહેતા હર્ષ મહેશકુમાર પટેલ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ગતરોજ તે પોતાની બાઇક નંબર જીજે.05.એફઝેડ.2319 લઈને કામ અર્થે સુરત આવ્યો હતો અને મહીધરપુરા આયુર્વેદિક ગરનાળાથી લાલ દરવાજા તરફ જતા મેઇન રોડ ઉપર વૈશાલી વડાપાવ દુકાને ગાડી પાર્ક કરી હતી. જો કે તેમણે પોતાની બાઈક ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરી હતી. જેથી ત્યાંથી ટ્રાફિક પોલીસની ક્રેન પસાર થતા તેઓએ આ બાઈકને ટોઇંગ કરી લીધી હતી. આ દરમિયાન હર્ષ પટેલે એકદમ ઉશ્કેરાઈ જઈ પોલીસ સાથે ગેરવર્તણુક કરી હતી. એટલું જ નહીં પરંતુ ટ્રાફિક પોલીસની ક્રેનમાં હાજર તનવીર તસ્લીમ શેખ અને ધનંજય પ્રકાશભાઈ કરણી સાથે ગાળા ગાળ કરી ઝપાઝપી કરી હતી અને તનવીર શેખને માર મારી તેણે પેહેરેલી ટીશર્ટ ફાડી નાખી હતી અને સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરી હતી. જેથી પોલીસે બાઈક પણ જપ્ત કરી હર્ષ પટેલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે